ભારતમાં નોઇડા એરપોર્ટ અને ફિલ્મ સિટી વચ્ચે પોડ ટેક્સી દોડાવવાનું સપનું 2025 સુધીમાં સાકાર થઈ જશે. આ સુવિધા દેશમાં પોડ ટેક્સની પ્રથમ સુવિધા હશે. આ સાથે જ નોઇડા દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષિત કરી શકશે. હાલ તેને દોડાવવા માટેનું આયોજન પુર જોશમાં ચાલી રહ્યું છે. દેશમાં પ્રથમ પોડ ટેક્સી ચલાવવા માટે રાજ્ય સરકારે 862 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે. લંડનના હિથ્રો એરપોર્ટની જેમ વિશ્વના ચાર દેશોમાં એરપોર્ટ પર હવાઈ મુસાફરો માટે પોડ ટેક્સીની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં આ સુવિધા લંડન ઉપરાંત દુબઈ, દક્ષિણ કોરિયા અને વર્જિનિયાના વિમાની મથકો પર આવતા મુસાફરો માટે છે. હવે તે જ પ્રકારે ભારતમાં નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર આવતા મુસાફરોની સુવિધા માટે આ સુવિધા વિકસાવવાનો નિર્ણય થયો છે.
ભારતમાં નોઈડામાં ચાલનારી પોડ ટેક્સની સુવિધા દેશની પહેલી સુવિધા હશે. નોઈડા એરપોર્ટથી ઉડાન શરૂ થતાંની સાથે જ તે ટ્રેક પર દોડવાનું શરૂ કરશે. ફિલ્મ સિટીથી નોઇડા એરપોર્ટ વચ્ચેની મેટ્રો કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખીને, ઈન્ડિયન પોર્ટ રેલ એન્ડ રોપવે કોર્પોરેશન લિમિટેડે મંગળવારે ડ્રાઇવરલેસ પોડ ટેક્સી માટે યમુના ઓથોરિટીને અંતિમ ડીપીઆર સુપરત કરી હતી. જે મુજબ નોઈડા એરપોર્ટથી ફિલ્મ સિટી સુધી 14 કિ.મી.ની વચ્ચે ડ્રાઇવરલેસ પોડ ટેક્સીનું સંચાનલ કરવાની જવાદારી ઇન્ડિયન પોર્ટ રેલ એન્ડ રોપ વે કોર્પોરેશને લીધી છે. તેના આયોજન મુજબ હવે ટૂંક સમયમાં જ નોઇડા એરપોર્ટથી ફિલ્મ સિટી વચ્ચે પોડ ટેક્સી દોડશે. જેનો રુટ યિદા સેક્ટર 21, 28, 29, 32 અને 33 થઈને રહેશે. આ ટેક્સ દરેક સેક્ટરમાં ઉભી રહેશે. નોઈડાની જમીન પર પોડ ટેક્સી ઉતારવા માટે પ્રતિ કિ.મી. 50 થી 60 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે.
યિડાના સીઈઓ ડોક્ટર અરૂણવીર સિંહે આ વિશે મીડિયા સમક્ષ કહ્યું હતુ કે, ડીપીઆરને હવે યિડાના બોર્ડ સમક્ષ રાખવામાં આવશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ તેને ફરી સરકાર સમક્ષ મોકલાશે. અંતિમ ડીપીઆરમાં, 14 કિ.મી.ના માર્ગ માટે આશરે 862 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજાયો છે. પોડ ટેક્સી 2025 સુધીમાં ગ્રેટર નોઈડામાં દોડવાનું શરૂ કરશે.