ટીમ ઇન્ડિયાએ લોર્ડ્સ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ જીતી છે. 7 વર્ષ બાદ ભારતીય ટીમે આ મેદાન પર જીત મેળવી છે. લોર્ડ્સમાં ભારતની આ ત્રીજી જીત છે. આ મેચમાં ચાર દિવસની રમતમાં ઉતાર -ચઢાવની સ્થિતિ હતી, પરંતુ પાંચમો દિવસની રમતમાં એવો વળાંક આવ્યો કે ભારતે ઇતિહાસ સર્જ્યો. 5મા દિવસે ભારતીય ટીમના લોઅર ઓર્ડરના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે બોલિંગની વાત આવી ત્યારે ઈંગ્લેન્ડના બેટ્સમેનો ભારતીય ઝડપી આક્રમણ સામે લાચાર બની ગયા. ઈંગ્લેન્ડના બંને ઓપનર ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. એકના સ્કોર પર ઈંગ્લેન્ડની બે વિકેટ પડી ગઈ હતી. ઇન ફોર્મ સુકાની જો રૂટ પણ આશ્ચર્યજનક કોઇ પ્રદર્શન કરી શક્યો નહી. ટીમ ઇન્ડિયાએ લોર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
યુવા બેટ્સમેન હસીબ હમીદ અને કેપ્ટન જો રૂટે ઇનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી હતી. આ જોડી ખતરનાક બની રહી હતી કે ઇશાંત શર્માએ હમીદને એલબીડબલ્યુ દ્વારા ઇંગ્લેન્ડને ત્રીજો ફટકો આપ્યો. હમીદ 9 રન બનાવી આઉટ થયો હતો. ઇંગ્લેન્ડને ચા પહેલા જ ચોથો ફટકો લાગ્યો હતો. ટીમ ઇન્ડિયાએ છેલ્લા સત્રની શાનદાર શરૂઆત કરી હતી. ચા પછી પહેલી જ ઓવરમાં જસપ્રીત બુમરાહે જો રૂટને કોહલી દ્વારા સ્લિપ પર કેચ કરાવીને ઇંગ્લેન્ડને મોટો ફટકો આપ્યો હતો. ઈંગ્લેન્ડની 5 વિકેટ 67 રનમાં પડી ગઈ હતી.
ખરાબ પ્રકાશના કારણે ચોથા દિવસની રમત અકાળે બંધ કરી દેવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાએ સ્ટમ્પ સુધી 6 વિકેટે 181 રન બનાવ્યા હતા. રિષભ પંત 14 અને ઇશાંત શર્મા 4 રને અણનમ પરત ફર્યા હતા, પરંતુ 5 માં દિવસે આ બે બેટ્સમેનોના આઉટ થયા બાદ મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે આગેવાની લીધી હતી. શમીએ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં જસપ્રીત બુમરાહ સાથે રેકોર્ડબ્રેક 9 મી વિકેટની ભાગીદારી કરી હતી. તેણે તેની કારકિર્દીની બીજી ફિફ્ટી ફટકારી હતી. શમીએ ઈનિંગની 106 મી ઓવરમાં મોઈન અલીની બોલ પર સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. શમીએ 57 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે 70 બોલમાં અણનમ 56 રનની ઇનિંગ રમી હતી. શમીએ 6 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
ભારતીય ટીમે તેની બીજી ઇનિંગ 298 ના સ્કોર પર ડિકલેર કરી હતી. તે ટીમ ઇન્ડિયાની તરફેણમાં હતો. પ્રથમ દાવની લીડના આધારે ઇંગ્લેન્ડને આ મેચ જીતવા માટે 272 રનની જરૂર હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 364 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 391 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતે આ મેચ 151 રનથી જીતી હતી.