વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને મંગળવારે વર્ચુઅલ બેઠક યોજીને અનેક કરાર કર્યા હતા. આ કરાર મુજબ જો કામગીરી થશે તો ભારતમાં નોકરીઓની મોટી તક સર્જાશે. આ સાથે જ દાયકામાં વ્યાપાર બમણો થશે અને ભારત બ્રિટનમાં 53.3 કરોડ પાઉન્ડના નવા રોકાણ કરશે. હાલમાં બન્ને દેશ વચ્ચે 23 અબજ પાઉન્ડનો વ્યાપાર થઈ રહ્યો છે. બોરિન જોનસને બેઠક પહેલાં જ ભારત સાથે એક અબજ પાઉન્ડના વેપાર એટલે કે ભારતીય ચલણ મુજબ લગભગ રૂ. 10,000 કરોડના સોદાની જાહેરાત કરી હતી. મંગળવારે બે પીએમ વચ્ચે બેઠક યોજાઈ જેમાં બન્ને નેતાઓએ ભારત-બ્રિટન વચ્ચેના આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરી હતી. આ સાથે જ કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે બોરિસ જોનસે ચિંતા વ્યક્ત કરી યોગ્ય સહકારની ખાતરી આપી હતી. બેઠકમાં ભારત-બ્રિટનના સંબંધોને ગાઢ બનાવવા માટે 2030 સુધીનો રોડમેપ તૈયાર કરાયો હતો. જો કે, આ સમયે કોરોના એક મોટો પડકાર હોવાનું બંને નેતાઓએ સ્વીકાર્યું હતુ. બેઠકમાં જોનસ સમક્ષ પીએમ મોદીએ તાજેતરમાં બ્રિટને કરેલી સહાય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ સમયે જોનસને પણ ભારતે ગત વર્ષે બ્રિટનને કરેલી મદદને યાદ કરી હતી. બે નેતાઓએ બેઠક દરમિયાન રજૂ કરેલા રોડમેપ મુજબ આગામી 10 વર્ષમાં બન્ને દેશ વચ્ચેના સહયોગને વધારે વધારાશે. ભારત વિશ્વનું એક મોટું બજાર છે જેની સાથે ટ્રેડ ડીલ કરવા બ્રિટન સતત પ્રયાસો કરશે. બોરિસ જોનસને જણાવ્યું હતું કે બ્રિટન અને ભારતના સંબંધો વર્ષોથી સારા રહ્યા છે.
હજી પણ તે બંને દેશ દરેક પાસાની માફક આર્થિક સંબંધને પણ મજબૂત અને સુરક્ષિત રાખવાની દીશામાં કામ કરશે. આગામી દાયકામાં મુક્ત વ્યાપાર કરાર મારફતે ભારત સાથેના અમારા વ્યાપાર સંબંધોને બે ગણા કરવામાં આવશે. હવે આગામી દિવસોમાં એક અબજ ડોલરના રોકાણની જાહેરાત સાથે સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બ્રિટનમાં તેના વેક્સિન બિઝનેસ માટે 2૪ કરોડ પાઉન્ડના રોકાણનું વચન પણ અપાયું છે. આ ટ્રેડ પેકેજમાં બ્રિટનમાં ભારત 53.3 કરોડ પાઉન્ડનું રોકાણ કરનાર છે. બ્રિટનમાં હેલ્થ અને ટેકનોલોજી જેવા સેક્ટરમાં ભારત રુચી દાખવશે. જેનાથી ત્યાં નવી 6000 રોજગારી ઊભી થશે તેમ બ્રિટિશ વડાપ્રધાને જણાવ્યું હતું.
બીજી તરફ ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશનર એલેક્સ હિલ્સે જણાવ્યું હતું કે ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપાર અને રોકાણના કારણે બન્ને દેશમાં રોજગારની નવી તક ઊભી થશે. હજારો નોકરીઓનું સર્જન થશે. જેના કારણે બન્ને દેશની અર્થવ્યવસ્થાને ગતિ મળવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને બ્રિટન વચ્ચે હાલમાં વર્ષ દરમિયાન 23 અબજ પાઉન્ડનો એટલે કે આશરે 2.35 લાખ કરોડનો વેપાર થાય છે. જેનાથી બન્ને દેશના પાંચ લાખ લોકોને રોજગારી મળી રહી છે.