કોરોનાને કારણે દુનિયાના અનેક દેશમાં સામાજિક અને આર્થિક ગતિવિધિઓ હજી પણ ઠપ છે. વેપાર ધંધા સાથે રોજગારને માઠી અસર થઈ છે. તેવા સમયે ખેલકુદ જગતના આયોજનોમાં પણ છાશવારે ફેરફાર કરવાની નોબત આવી રહી છે. થોડા દિવસો પહેલાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 ટૂર્નામેન્ટને મૌકૂફ કરાઈ હતી. જે બાદ હવે ભારત વિ. સાઉથ આફ્રિકા ટી-20 શ્રેણીના આયોજનમાં પણ વિઘ્ન આવ્યું છે. દુનિયાના અનેક દેશમાં કોરના સંકટ હજી ટળ્યું નથી. ભારત તો તેમાં સૌથી વધુ પ્રભાવિત દેશ તરીકે ઉભરી રહ્યો છે. એપ્રિલથી અહીં દોઢ મહિના સુધી સતત 3.25 લાખ નવા કેસ નોંધાયા છે. જેથી હવે ભારતીય ક્રિકેટ ટીમના પ્રવાસ આયોજનો પર અસર થઈ રહી છે.
મીડિયાના અહેવાલો મુજબ આઇપીએલ 2021ની બાકીની મેચ સપ્ટેમ્બર યોજવા કવાયત થઈ રહી છે. આવા સંજોગોમાં અનેક ખેલાડી આઈપીએલમાં સામેલ હોવાથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-20 શ્રેણી રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટી-20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા તૈયારી કરવાના ભાગરુપે આ સિરીઝમાં ભાગ લેવા માંગતી હતી. પરંતુ હવે આઈપીએલ 2021ની બાકીની મેચ જ સપ્ટેમ્બરમાં રમવાનું આયોજન છે. બીસીસીઆઈનાં સૂત્રોના જણાવ્યા મુજબ હાલ આઇપીએલને અધૂરી છોડી દેવાઈ છે પરંતુ તેની બાકી રહી ગયેલી મેચ યુએઈમાં રમાય તે દીશામા કાર્યવાહી થઈ રહી છે. હાલના સંજોગો પ્રમાણે આ મેચ 19 અથવા 20 સપ્ટેમ્બરથી શરુ થઈ શકે છે. આઈપીએલની ફાઈનલ મેચ માટે 10 ઓક્ટોબરની તારીખ નિર્ધારિત કરાઈ છે. તે પછી ટૂંક સમયમાં ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ શરૂ થશે. તેથી આ જ સમયગાળામાં ભારતીય ટીમ માટે દક્ષિણ આફ્રિકા શ્રેણીનું આયોજન કરવું અશક્ય છે. એટલે કે, ભારત-દક્ષિણ આફ્રિકા શ્રેણી કોઈપણ રીતે યોજાઈ શકે તેમ નથી. ટી-20 વર્લ્ડ કપની તૈયારી માટે આઇપીએલનું આયોજન વધુ શ્રેષ્ઠ છે. ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતની ઘરેલુ સીઝન ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝથી થશે. જો કે, હવે નવેમ્બરમાં યોજાનારી આ સિરીઝના કાર્યક્રમમાં પણ બદલાવ થવાની શકયતા છે. ટી 20 વર્લ્ડ કપ સ્પર્ધાના કાર્યક્રમ પર જ આ શ્રેણીનું શિડ્યુલ નિર્ભર રહેશે.