એક વર્ષથી દુનિયાને મુસીબતમાં મુકનારી કોરોના મહામારી હજૂ દૂર થઈ નથી. દુનિયાના કેટલાય દેશમાં વેકસીનેશનનું કામ ચાલી રહ્યું છે. ભારતમાં બનેલી બે વેકસીનને દુનિયાની મદદ માટે મોકલાઈ છે. આ વેકસીને દુનિયાને મોટી મહામારીના સયમાં રાહત આપી છે તેમ અમેરિકાના વૈજ્ઞાનિકો માની રહ્યા છે. દુનિયામાં સૌથી મોટો દવા નિર્માતા દેશ ભારત છે. ભારતના પૂનામાં બનેલી કોવેકસીન અને હૈદરાબાદમાં બનેલી કોવિશીલ્ડ વેકસીનને મંજૂરી મળ્યા બાદ તેનો ઉપયોગ શરૃ કરી દેવાયો છે. ભારતમાં આ બે રસી બનાવનાર કંપનીમાં સીરમ અને ભારત બાયોટેક છે. હવે આખી દુનિયામાં અને ખાસ કરીને ગરીબ દેશોમાંથી વેકસીનની માંગ વધતા ભારત તેઓની મદદ કરી રહ્યું છે. કેટલાય દેશને ભારતે મફતમાં વેકસીન મોકલી છે. દુનિયાને મહામારીના સમયમાં ભારતે કરેલી મદદની નોંધ હવે લેવાઈ રહી છે.
હાલમાં વૈજ્ઞાનિકોના યોજાયેલા એક વેબિનારમાં ડો. પીટર હોટેજ કે જેઓ હ્યુસ્ટનની બાયલોર કોલેજ ઓફ મેડિસિનની નેશનલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનનાં ટોચના વૈજ્ઞાનિક છે. તેમણે કહ્યું હતુ કે, વિશ્વની ટોચની સંસ્થાઓનાં સહયોગથી ભારતમાં ઉત્પાદિત કોવિડ-19 રસીએ વિશ્વને એક ખતરનાક રોગચાળામાંથી ઉગાર્યું છે. દુનિયાને કોરોનાથી બચાવવા માટે ભારત કોવિડ રસી મોકલી રહ્યું છે. ભારતનાં આ મહાન યોગદાનને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. ભારતનું આ યોગદાન અમૂલ્ય અને સરાહનીય છે. ભારત વિશ્વનો સૌથી મોટો દવા ઉત્પાદક દેશ છે. ડો. પીટર હોટેજે વેબિનાર દરમિયાન વધુમાં કહ્યું હતુ કે, એમઆરએનએની બે રસી વિશ્વના નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોમાં અસરકારક રહી ન હતી. તેવા સમયે ભારતમાં બનેલી બે રસીઓએ મહત્વનું કામ કર્યું છે. આ બે રસીએ આજે વિશ્વને મોટી આફતમાંથી બચાવ્યું છે.
ભારતના આ યોગદાનને દુનિયાએ કયારેય ભૂલવું જોઈશે નહીં. વેબિનારમાં ‘કોવિડ -19: વેક્સિનેશન એન્ડ પોટેન્શિયલ રિટર્ન ટુ નોર્મલ્સી – ઇફ એન્ડ વ્હેન’ વિષય પર ચર્ચા થઈ હતી. જેમાં ડો, હોટેજે કહ્યું કે કોવિડ -19 રસીનો વિકાસ એ વાયરસ સામે લડવામાં મહત્વની બાબત બની છે. વિશ્વને ભારત તરફથી બે રસીની મોટી ભેટ મળી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કોવિશિલ્ડ અને ભારત બાયોટેક કોરોના સામેનો જંગ લડવા દુનિયા માટે વેકસીનનું નિર્માણ કરી રહી છે. આ બંને આ રસીઓને ઘણા દેશોમાં મંજૂરી અપાઈ ચુકી છે. ઉલ્લેખનીય છે કે, દવાના ક્ષેત્રમાં બહોળો અનુભવ તેમજ જ્ઞાનને કારણે ભારતને ‘ફાર્મસી ઑફ ધ વર્લ્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. કોરોનાની રસી બન્યાની વાત જાણીને દુનિયાના અનેક દેશોએ કોરોના વાયરસની રસી ખરીદવા માટે ભારતનો સંપર્ક કર્યો છે. ભારત પણ આખી દુનિયા, ખાસ કરીને ગરીબ દેશોની મદદ માટે આગળ આવ્યું છે.