ભારતમાં કોરોના વાયરસના બીજા તબક્કાના આતંકે 135 કરોડ લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. આ સાથે જ દેશ માટે કોરોનાની બીજી લહેર જાનમાલ સાથે આર્થિક રીતે મોટાપાયે નુકસાન કરનારી સાબિત થવાની સંભાવના છે. દેશમાં વધી રહેલો ફુગાવો ઇકોનોમી માટે ચિંતાજનક હોવાનું મોર્ગન સ્ટેનલીએ તેનાં અહેવાલમાં નોંધ્યું છે. મોર્ગન સ્ટેનલીના વાર્ષિક રિપોર્ટમાં ભારતમાં કોરોનાને કારણે સર્જાયેલી આર્થિક સ્થિતિ વિશે કેટલાક તારણો દર્શાવાયા છે. જે મુજબ 2021ના એપ્રિલમાં વાર્ષિક ધોરણે WPI ફુગાવો વધીને ૯.૧ ટકા રહેવાની ધારણા રજૂ કરાઈ છે. આ જ ફુગાવો માર્ચમાં ૭.૪ ટકા રહ્યો હતો. અહેવાલમાં નોંધાયું છે કે, સમીક્ષા હેઠળનાં સમયગાળામાં ફૂડ પ્રાઇસમાં સાધારણ ઘટાડો થઈ શકે છે. પરંતુ અન્ય ચીજવસ્તુઓનાં ભાવમાં નોંધપાત્ર વધારો થતા ફુગાવા પરનાં દબાણો વધશે. જયારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ દ્વારા દેશમાં પસંદગીની ચીજોમાં ભાવવધારોની વિગતો અપાઈ છે. વર્લ્ડ ફૂડ પ્રાઇસિસમાં સતત ૧૧મા મહિને એપ્રિલમાં નોંધપાત્ર વધારો નોંધવામાં આવ્યો હતો. મે ૨૦૧૪માં સૌથી વધુ ફુગાવો દેખાયા બાદ 2021માં એપ્રિલ મહિનામાં તેવી જ સ્થિતિ દેખાય રહી છે. તે સમયે એટલે કે, 2014માં ખાંડનાં ભાવમાં સખત વધારો થતા ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સમાં ઉછાળો થયો હતો. આ વખતે પણ કઠોળ, તેલીબિયાં, ડેરી પ્રોડક્ટ, માંસ અને સુગરનાં ભાવમાં સરેરાશ ૧૨૦.૯ પોઇન્ટનો વધારો નોંધાયો હતો. માર્ચમાં તે ૧૧૮.૯ પોઈન્ટ હતો. એપ્રિલમાં CPI વાર્ષિક ધોરણે ૩.૯ ટકાની સપાટીએ રહેવાનો અંદાજ છે. જે અગાઉના મહિનામાં એટલે કે, માર્ચમાં ૫.૫ ટકા નોંધાયો હતો. ફૂડ આઈટમ્સનાં ભાવમાં ઘટાડાને કારણે ફુગાવો ઘટશે તેવું અનુમાન છે. જો કે ગયા વર્ષ કરતા આ વર્ષે બેઝ ઊંચો હોવાને કારણે ગયા મહિનાની સરખામણીમાં કોર સીપીઆઈમાં ઘટાડો થઈ શકે છે.