સ્વદેશમાં નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS ‘વિક્રાંત’ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે. નૌકાદળના વાઇસ ચીફ વાઈસ એડમિરલ એસએન ઘોરમાડેએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે INS વિક્રાંતના કમિશનિંગથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.
INS વિક્રાંતને 3 સપ્ટેમ્બરે કોચીમાં એક કાર્યક્રમમાં નેવીમાં સામેલ કરવામાં આવશે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. તેમણે કહ્યું કે એરક્રાફ્ટ કેરિયરને સેવામાં સામેલ કરવું એ અવિસ્મરણીય દિવસ હશે કારણ કે આ જહાજ દેશની એકંદર દરિયાઈ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે. વાઇસ એડમિરલ ઘોરમાડેએ જણાવ્યું હતું કે નૌકાદળમાં INS વિક્રાંતનો સમાવેશ એક ઐતિહાસિક પ્રસંગ હશે અને તે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક પણ હશે કારણ કે તેના ઘટકો અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવે છે.
20 હજાર કરોડના ખર્ચે બનેલ INS વિક્રાંત
આશરે રૂ. 20,000 કરોડના ખર્ચે બનેલ એરક્રાફ્ટ કેરિયરે ગયા મહિને દરિયાઈ પરીક્ષણનો ચોથો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. વિક્રાંતની રચના સાથે, ભારત એવા દેશોના પસંદગીના જૂથમાં જોડાયું છે કે જેઓ સ્વદેશી રીતે એરક્રાફ્ટ કેરિયર ડિઝાઇન અને નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે.
જાણો INS વિક્રાંતની વિશેષતા
ભારતના સૌથી મોટા સ્વદેશી યુદ્ધ જહાજ INS વિક્રાંતની કેબલ લંબાઈ લગભગ 2,500 કિમી છે. INS વિક્રાંતની લંબાઈ 262 મીટર, પહોળાઈ 62 મીટર અને ઊંચાઈ 59 મીટર છે. વિક્રાંતની ફ્લાઇટ ડેક બે ફૂટબોલ મેદાન જેટલી છે, જ્યાંથી વિમાનો ઉડશે. આ યુદ્ધ જહાજની ઝડપ 28 નોટ છે અને તે 7,500 નોટિકલ માઈલ સુધી મુસાફરી કરવાની ક્ષમતા પણ ધરાવે છે. એરક્રાફ્ટ કેરિયરમાં આઠ પાવર જનરેટર છે જે સમગ્ર કોચી શહેરમાં રોશની કરવા સક્ષમ છે. આ એરક્રાફ્ટ કેરિયરના કોરિડોરનો એક રાઉન્ડ આઠ કિલોમીટર જેટલો બેસે છે. આ યુદ્ધ જહાજમાં 2,300 કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે, જેમાં 1,700 જવાનો બેસી શકે છે.