આઇપીએલની ૧૪મી સિઝન માટે ચેન્નઇમાં ગુરુવારે થયેલી ખેલાડીઓની હરાજીમાં દુનિયાના સારા સાત બોલરને પોતાની ટીમમાં સમાવવા માટે બોલી બોલાઈ હતી. જેમાં સાત બોલરની ખરીદી માટે 62 કરોડથી વધુનો ખર્ચ થયો હતો. વિવિધ ટીમની એજન્સીઓએ લગાવેલી ઉંચી બોલીથી કેટલાક ખેલાડીઓ રાતોરાત કરોડપતિ બની ગયા છે. આઇપીએલ ૨૦૨૧ની હરાજીમાં સાઉથ આફ્રિકાના ક્રિસ મોરિસ સૌથી મોંઘા ખેલાડી રહ્યા હતા. જયારે કૃષ્ણપ્પા ગૌતમ સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી રહ્યો હતો. પંજાબ કિંગ્સ દ્વારા શાહરૂખ ખાનને ૨૨ ગણી કિંમતે ૫.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હરાજી દરમિયાન વિદેશના સાત ખેલાડીઓ માટે જ ફ્રેન્ચાઇઝીઓએ ૬૨.૪૫ કરોડ ખર્ચી નાંખ્યા હતા.
જેમાં આફ્રિકન બોલર ક્રિસ મોરિસને ખરીદવા માટે બેંગ્લોર, પંજાબ, મુંબઇ અને રાજસ્થાનની ફ્રેન્ચાઈસીની ટકકર રહી હતી આ સમયે ભારે ચઢાવ ઉતાર બાદ રાજસ્થાનની ટીમે મોરિસને ૧૬.૨૫ કરોડ રૂપિયામાં ખરીદી તેની ટીમમાં સામેલ કર્યો હતો. આ ઉપરાંત મુસ્તાફિઝુર રહેમાન માટે રાજસ્થાન એજન્સીએ એક કરોડ રૂપિયા આપ્યા હતા. મુંબઇ ઇન્ડિયન્સને આગામી સિઝન માટે પેસ બોલરની જરૂર હતી. આ ટીમે સિઝન પહેલાં નાથાન કાઉલ્ટર નાઇલને રિલીઝ કર્યો હતો પરંતુ તેને ફરીથી પાંચ કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.
મુંબઇની ટીમે ન્યૂઝીલેન્ડના એડમ મિલને માટે ૩.૨૦ કરોડ નકકી કર્યા હતા. જયારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કેઇલ જેમિનસ માટે ૧૫ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. જેમિસન સાત ફૂટ લાંબો બોલર છે અને તે નીચલા ક્રમમાં આક્રમક બેટિંગ કરવા માટે જાણીતો છે.
બે પેસ બોલર ખરીદવા પંજાબ કિંગ્સે ૨૨ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયન બોલર મેડરિથને આઠ કરોડ અને રિચાર્ડસનને ૧૪ કરોડ રૂપિયામાં ખરીદાયા હતા. આઇપીએલની ૧૪મી સિઝન માટે યોજાયેલી હરાજીમાં કોલકાતા નાઇડ રાઇડર્સ ફ્રેન્ચાઇઝી ટીમના સહ-માલિક શાહરુખ ખાન તથા જૂહી ચાવલા ગેરહાજર રહ્યા હતા. આ સમયે શાહરુખના સ્થાને તેના પુત્ર આર્યન તથા જૂહીના સ્થાને તેની પુત્રી જ્હાન્વી ટીમના ટેબલ ઉપર હાજર હતી. હરાજીને અંતે ચેન્નઇ સુપર કિંગ્સમાં કે. ગૌતમ (૯.૨૫ કરોડ), મોઇન અલી (૭ કરોડ), ચેતેશ્વર પૂજારા (૫૦ લાખ), કે. ભગત વર્મા (૨૦ લાખ), સી. હરી નિશાંથ (૨૦ લાખ), હરિશંકર રેડ્ડી (૨૦ લાખ) સામેલ થયા હતા. કોલકાતા નાઇટ રાઇડર્સમાં સાકિબ (૩.૨ કરોડ), હરભજનસિંહ (૨ કરોડ), બેન કટિંગ (૭૫ લાખ), કરુણ નાયર (૫૦ લાખ), પવન નેગી (૫૦ લાખ), શેલ્ડન જેક્શન (૨૦ લાખ), વેંકટેશ ઐય્યર (૨૦ લાખ) તથા વૈભવ અરોરા (૨૦ લાખ)નો સમાવેશ કરાયો છે.
મુંબઇ ઇન્ડિયન્સમાં નાથાન કાઉલ્ટર નાઇલ (૫ કરોડ), એડમ મિલને (૩.૨ કરોડ), પીયૂષ ચાવલા (૨.૪ કરોડ), જેમ્સ નિશામ (૫૦ લાખ), યુધવીર ચરક (૨૦ લાખ), માર્કો જેનસેન (૨૦ લાખ) તથા અર્જુન તેંડુલકર (૨૦ લાખ)ને સ્થાન અપાયું છે. એ જ રીતે દિલ્હી કેપિટલ્સમાં ટોમ કરન (૫.૨૫ કરોડ) સ્ટિવ સ્મિથ (૨.૨ કરોડ), સેમ બિલિંગ્સ (૨ કરોડ), ઉમેશ યાદવ (એક કરોડ), રિપલ પટેલ (૨૦ લાખ), વિષ્ણુ વિનોદ (૨૦ લાખ), લુકમાન મેરીવાલા (૨૦ લાખ), એમ. સિદ્ધાર્થ (૨૦ લાખ)ને સમાવાયા હતા. પંજાબ કિંગ્સમાં જેયલ રિચાર્ડસન (૧૪ કરોડ), રિલે મેરેડિથ (આઠ કરોડ), શાહરુખ ખાન (૫.૨૫ કરોડ), મોઝિસ હેનરિક્સ (૪.૨ કરોડ), ડેવિડ મલાન (૧.૫ કરોડ), ફેબિયન એલન (૭૫ લાખ), જલજ સક્સેના (૩૦ લાખ), સૌરભ કુમાર (૨૦ લાખ) અને ઉત્કર્ષસિંઘને ૨૦ લાખની બોલી સાથે ટીમમાં સમાવાયા હતા. જયારે રાજસ્થાન રોયલ્સ ટીમમાં ક્રિસ મોરિસ (૧૬.૨૫ કરોડ), શિવમ દુબે (૪.૪ કરોડ), ચેતન સકરિયા (૧.૨ કરોડ), મુસ્તાફિઝુર રહેમાન (એક કરોડ), લિયામ લિવિંગસ્ટોન (૭૫ લાખ), આકાશસિંઘ(૨૦ લાખ), કેસી ચિરપ્પા (૨૦ લાખ) અને કુલદીપ યાદવને ૨૦ લાખમાં ખરીદીને સ્થાન અપાયું હતુ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં કેયલ જેમીસન (૧૫ કરોડ), ગ્લેન મેક્સવેલ (૧૪.૨૫ કરોડ), ડેન ક્રિસ્ટિયન (૪.૮ કરોડ), સચિન બેબી (૨૦ લાખ), મોહમ્મદ અઝહરુદ્દીન (૨૦ લાખ), રજત પાટીદાર (૨૦ લાખ), સુયેશ પ્રભુદેસાઇ (૨૦ લાખ) અને કેએસ ભરત (૨૦ લાખ)ને સમાવાયા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં કેદાર જાધવ (બે કરોડ), મુજિબ ઉર રહેમાન (૧.૫ કરોડ) તથા જે. સુચિથ (૩૦ લાખ)ને સ્થાન અપાયું છે.