નવી દિલ્હી, તા.૨૯: જીવન વીમા કંપનીઓને આરોગ્ય વીમાની મંજૂરી આપવા અંગે ઇરડાના સ્પષ્ટ સંકેતો વચ્ચે એલઆઇસી અને અન્ય મોટી જીવન વીમા કંપનીઓ આરોગ્ય વીમા બીઝનેસમાં જોડાવાનું મન બનાવી રહી છે.
ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી) ઉપરાંત આઇસીઆઇસી આઇ પ્રુડેન્શીયલ લાઇફ, એચડીએફસી લાઇફ અને બજાજ એલીયાંઝ લાઇફ જેવી વીમા કંપનીઓનું કહેવુ છે કે ૨૦૧૩માં રોક લાગ્યા પહેલા તેઓ મેડીકલેમ પોલીસીની પણ તજવીજ કરી રહી હતી. પણ ભારતીય વીમા નિયમન અને વિકાસ પ્રાધીકરણ (ઇરડા)એ તેમને આમ કરતા રોકી દીધા હતા.
આ વીમા કંપનીઓનું કહેવુ છે કે હવે જયારે ઇરડા તેમને ફરીથી મેડીકલેમ પોલીસી વેચવાની મંજૂરી આપવાના સંકેત આપી રહી છે તો તેઓ આ બીઝનેસમાં જોડાવા સંપૂર્ણપણે તૈયાર છે. આ બધી કંપનીઓ અત્યારે પણ બીન ક્ષતિપૂર્તિ પર આધારિત આરોગ્ય પોલીસીઓ વેચે જ છે. ક્ષતિપૂર્તિ આધારિત આરોગ્ય પોલીસી એટલે કે મેડીકલેમ પોલીસીનું વાર્ષિક રીન્યુઅલ થાય છે અથવા તો તેનું વેચાણ એક વર્ષની વેલીડીટી સાથે કરાય છે. આ પોલીસી દેશમાં સૌથી વધારે વેચાય છે.
આ અંગે એલઆઇસીનો સંપર્ક કરતા તેમણે કહ્યું, ‘અમે નિયામક તરફથી મળેલ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યા છીએ. કેમ કે આરોગ્ય જીવન વીમો અમારા મુખ્ય બીઝનેસ સાથે જોડાયેલો છે. તેમાં નવુ કંઇ નથી કેમ કે અમે તેમાં દાયકાઓથી સક્રિય છીએ અને કેટલાય બીન ક્ષતિપૂર્તિ પ્લાન અમે આપીએ છીએ.
આઇઆરડીએઆઇ (ઇરડા)ના પ્રમુખ દેબાશીષ પાંડાએ ગત દિવસોમાં કહ્યું હતુ કે જીવન વીમા કંપનીઓ ફરી આરોગ્યક્ષેત્રમાં આવવાનો સમય આવી ગયો છે. ૨૦૩૦ સુધીમાં દરેક નાગરિક પાસે હેલ્થ પોલિસીનું લક્ષ્ય પ્રાપ્ત કરવા આમ કરવુ જરૂરી છે. જો કે પછી ખંડાએ કહ્યું કે આ અંગે હજુ કોઇ નિર્ણય નથી લેવામાં આવ્યો.