કોરોનાની બીજી લહેર ભારતમાં ભારે ઘાતક પુરવાર થઈ રહી છે. પશ્નિમના રાજ્યો બાદ હવે ઉત્તરના રાજ્યોમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. આ સાથે જ યુપી, બિહાર અને દિલ્હીમાં મૃત્યુ દર પણ વધી રહ્યો છે. આ પ્રદેશમાં દવા, ઈન્જેકશન અને ઓક્સિજની સુવિધાના ઠેકાણા નહીં હોવાથી કોરોનાની સારવાર લેવામાં દર્દીઓને હાલાકીનો કોઈ પાર રહ્યો નથી. હવે છેલ્લાં અઠવાડિયાથી તો યુપી અને બિહારની નદીઓમાં લાશે તરતી મુકી દેવાનો સિલસિલો ચાલી રહ્યો છે. જેને પગલે સરકાર અને પ્રશાસન હરકતમાં આવ્યું છે. બીજી તરફ મૃત દર્દીના અંતિમ સંસ્કારમાં પડી રહેલી મુશ્કેલીને પગલે કેટલાક તકસાધુઓ આ વિધિને વેપલો બનાવી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય પણ થશે પરંતુ યુપીમાં મૃતકોના અંતિમ સંસ્કારની પ્રક્રિયા કરવા માટે તકસાધુ લોકોએ પેકેજ પણ જાહેર કરી દીધા છે. જેમાં કાંધ આપવાથી માંડીને અગ્નિદાહ સુધીની જુદી જુદી પ્રક્રિયાના દર પણ નક્કી કરાયા છે.
લખનૌના ડાલીગંજ સ્થિત સ્મશાનઘાટમાં અંતિમ સંસ્કાર કરવા માટે આસપાસના દુકાનદારોએ પેકેજ જાહેર કર્યા છે. કોઈ ગ્રાહક ત્યાં આવે કે તરત જ દુકાનદારો ગ્રાહકને પેકેજની વિગતો સમજાવવા બેસી જાય છે. સુત્રોના જણાવ્યા મુજબ નોન કોવિડ લાશ હોય તો તેવી લાશના અંતિમ સંસ્કાર માટે 20 હજાર રૂપિયા સુધીનું પેકેજ છે. જયારે કોવિડથી મૃત્યુ પામનારના અંતિમ સંસ્કાર માટે 25 હજાર રુપિયા સુધીનું પેકેજ ગ્રાહકોને બતાવાય છે. ફ્રીઝરનો રેટ 24 કલાક માટે 4500 રૂપિયા અને ત્યારબાદ રોજના 3000 રૂપિયા ચાલે છે. જયારે હોસ્પિટલથી ઘર જવા માટે 1500 રૂપિયા ભાડુ તથા ઘરથી સ્મશાન ઘાટ જવા માટે 2500 રૂપિયા વસુલાય છે. પેકેજમાં અન્ય કામ અંતિમ સંસ્કારનો સામાન 6000 અને ટિકઠી બનાવવાનો ચાર્જ 1100 રૂપિયા તથા લાકડા અને કાંધ આપવાથી લઇ લાશને બાળવાનો ચાર્જ 4500 રૂપિયા નક્કી કરાયો છે. જો કે, યુપીમાં કોરોનાનો ડર વધી હોવાથી બીમાર લોકોની મદદ કરવા કોઈ તૈયાર થઈ રહ્યું નથી. એવામાં યુવાનોનું એક ગ્રુપ કોરોના સંક્રમિત લાશોના અંતિમ સંસ્કારનું કામ વિના મુલ્યે પણ કરી રહ્યું છે. સની સાહૂ, રમેશ ત્રિપાઠી આઝાદ, અતુલ સિંહ, પીયૂષ પાંડે, કરુણા શંકર દાસ, અનિલ મિશ્રા, હિમાંશુ શુક્લા અને વીનિત દીક્ષિતની ટીમે અત્યાર સુધીમાં 17 મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા છે.