GST કાઉન્સિલે તાજેતરમાં કહ્યું હતું કે હવે ભાડા પર મકાન લેનારાઓએ પણ 18 ટકા GST ચૂકવવો પડશે. આ પછી, સોશિયલ મીડિયા પર ફરી એકવાર ચર્ચા જોરશોરથી શરૂ થઈ ગઈ છે કે શું રહેવા માટે ભાડા પર મકાન લેશો તો પણ GST ચૂકવવો પડશે. આ અંગે સરકાર તરફથી એક નિવેદન પણ આવ્યું છે અને PIBએ પણ તેના ફેક્ટ ચેકમાં આ હકીકતોની પુષ્ટિ કરી છે.
પીઆઈબીએ તપાસ બાદ જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલનો આ નિર્ણય માત્ર તે જ પ્રોપર્ટી પર લાગુ થશે જેનો ઉપયોગ વ્યવસાયિક હેતુઓ માટે થઈ રહ્યો છે. PIBએ કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ રહેણાંક મિલકત ભાડે લઈને GST રજિસ્ટર્ડ કંપની ચલાવે છે, તો તેણે 18 ટકા GST ચૂકવવો પડશે. આનો અર્થ એ થયો કે જો કોઈ વ્યક્તિ પોતાના અથવા તેના પરિવાર માટે મકાન ભાડે લે છે, તો તેણે GST ચૂકવવો પડશે નહીં.
તાજેતરમાં GST કાઉન્સિલની બેઠકમાં આ અંગેના નિર્ણય બાદ એ વાત ઝડપથી ફેલાઈ હતી કે હવે ભાડૂતોને પણ 18 ટકા GST ચૂકવવો પડશે. આ પછી, સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી અને કહ્યું કે જો કોઈ મિલકતને ભાડા પર લઈને વ્યવસાયિક હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે છે, તો ભાડા પર 18 ટકા GST ચૂકવવો પડશે. જો તેનો ઉપયોગ રહેણાંક હેતુઓ માટે થતો હોય તો તમારે ભાડા પર GST ચૂકવવાની જરૂર નથી.
ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે ભાડા પર મકાન લેતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જો ભાડૂતે તેની કોઈ કંપની કે સંસ્થાનું GST રજીસ્ટર કરાવ્યું હોય અને તે તે જ GST નંબર દ્વારા ભાડા પર મકાન લઈ રહ્યો હોય તો તેને 18 ટકા GST ભરવો પડશે. કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપવા માટે જીએસટીની જોગવાઈ પહેલેથી જ લાગુ છે.