17 ઓક્ટોબરથી શરૂ થનારી વર્લ્ડ ટી 20 માટે ભારતીય ટીમની ગઈ કાલે રાત્રે જાહેરાત કરવામાં આવી હતી. વિશ્વ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટીમના માર્ગદર્શક બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે 24 કલાકની અંદર માહીની આ નિમણૂક સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ધોની સામે હિતોના સંઘર્ષની ફરિયાદ BCCI એપેક્સ કાઉન્સિલમાં કરવામાં આવી છે. લોઢા કમિટી રિફોર્મ્સ અનુસાર, એક વ્યક્તિ બે હોદ્દા પર રહી શકતો નથી. ફરિયાદી અનુસાર, ધોની IPL ફ્રેન્ચાઇઝી ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન છે અને હવે તેને મેન્ટર બનાવવો નિયમોની વિરુદ્ધ છે. BCCI ના બંધારણની કલમ 38 (4) નું ઉલ્લંઘન છે.
મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધિકારી સંજીવ ગુપ્તાએ ધોનીની નિમણૂક સામે વાંધો ઉઠાવ્યો છે. સંજીવ ગુપ્તા ઘણા ખેલાડીઓ અને બોર્ડ અધિકારીઓ સામે લેખિત ફરિયાદ કરી ચૂક્યા છે. અગાઉ રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી પણ તેના રડાર પર આવી ચૂક્યા છે. બોર્ડના એક સૂત્રએ પીટીઆઈ સાથેની વાતચીતમાં આ સમાચારની પુષ્ટિ કરી છે. આ ફરિયાદ પત્ર બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહને લખવામાં આવ્યો છે.
હવે એપેક્સ કાઉન્સિલ કાનૂની ટીમ સાથે સમગ્ર મામલે ચર્ચા કરશે અને સમયસર યોગ્ય નિર્ણય લેશે. બીસીસીઆઈના સચિવ જય શાહે બુધવારે ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી અને આ પ્રસંગે ધોનીને આઈસીસી ટુર્નામેન્ટ માટે ટીમના માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન ધોની, ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાંનો એક છે, જેણે ભારતને બે વર્લ્ડ કપ ખિતાબ અપાવ્યા છે – દક્ષિણ આફ્રિકામાં 2007 ટી -20 વર્લ્ડ કપ અને ભારતમાં 2011 વનડે વર્લ્ડ કપ. ધોની હાલમાં તેની આઈપીએલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે છે અને સંયુક્ત આરબ અમીરાતમાં 19 સપ્ટેમ્બરથી ફરી શરૂ થનારી ટી 20 લીગની તૈયારી કરી રહ્યો છે.
ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ધોનીની નિવૃત્તિની જાહેરાતે વિશ્વ ક્રિકેટને આશ્ચર્યમાં મૂકી દીધું હતું અને ત્યારથી તેણે એકવાર પણ તેના વિશે વાત કરી નથી. ધોનીએ ભારત માટે અનુક્રમે 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી 20 આંતરરાષ્ટ્રીયમાં 4876, 10773 અને 1617 રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, તેણે પોતાની અંગત પ્રતિબદ્ધતાઓ સુધી પોતાની જાતને સીમિત રાખી છે. તેમનું સમગ્ર ધ્યાન રાંચીમાં તેમના ઘરે તેમની આઈપીએલ પ્રતિબદ્ધતાઓ અને ઓર્ગેનિક ખેતી પર છે.