આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે – શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂલ કરી રહ્યા છે? આ પ્રશ્નનો સંદર્ભ દેશમાં ચાલી રહેલા નકલી ખેડૂત આંદોલન સાથે છે. હકીકતે, આપણા એક ભૂતપૂર્વ લશ્કરી અધિકારી તેમજ આપણી આંતરરાષ્ટ્રીય જાસુસી સંસ્થા રૉ સહિત સલામતી એજન્સીઓમાં કામ કરી ચૂકેલા કર્નલ આર.એસ.એન. સિંહના ગયા મહિને જ (ફેબ્રુઆરી-2021માં) પ્રકાશિત થયેલા એક પુસ્તક “Know the anti-Nationals” ની પ્રસ્તાવના વાંચી રહ્યો હતો ત્યારે મારા મનમાં આ પ્રશ્ન ઉપસ્થિત થયો. આ પ્રસ્તાવનામાં કર્નલ સિંહે સોવિયેત સંઘ (રશિયા)ના વિખંડનનાં કારણો, તેની સામે ચીન હજુ અખંડિત રહ્યાનાં કારણો અને એ બધાના સંદર્ભમાં ભારતની સ્થિતિની વિચારપ્રેરક સમીક્ષા કરી છે. ભારતની એકતાના એકમાત્ર અને સૌથી મોટા નેતા સરદાર વલ્લભભાઈ પટેલના એક-બે કિસ્સા ટાંકીને દેશને કેવી રીતે તૂટતો બચાવી શકાય તેની ચર્ચા આર.એસ.એન. સિંહે કરી છે.
એ વાંચીને મને લાગ્યું કે, તો પછી શું વર્તમાન વડાપ્રધાન મોદી કોઈ ભૂલ તો નથી કરી રહ્યા ને? આમ તો છેલ્લા 19 વર્ષથી અને ખાસ કરીને છેલ્લાં છ વર્ષથી ભાજપના તેમજ વિશેષ કરીને નરેન્દ્ર મોદીના સમર્થકો સતત એવો પ્રચાર કરતા રહ્યા છે કે- “મોદી જે કંઈ કરે છે તેમાં વિશ્વાસ રાખો.” “મોદી રાષ્ટ્ર વિરોધી તત્વોને ધીમે ધીમે ઉઘાડા પાડી રહ્યા છે.” “મોદી કોમવાદી તત્વોનો પરિચય દેશ અને દુનિયાને કરાવી રહ્યા છે.” “મોદી ભ્રષ્ટાચારીઓની અસલિયત દેશની પ્રજા સમક્ષ લાવી રહ્યા છે”… વગેરે વગેરે. અને અનેક સામાન્ય લોકો આ દલીલો સાંભળીને દેશ વિરોધી તત્વો, ભ્રષ્ટાચારીઓ, કોમવાદીઓ સામેના પોતાના ગુસ્સાને ગળી જાય છે અને પોતપોતાના કામમાં લાગી જાય છે.
ભાજપ અને મોદી સમર્થકોની દલીલ જરાય ખોટી નથી. 2002થી અત્યાર સુધીમાં આવું જોવા-અનુભવવા પણ મળ્યું છે, છતાં ઇતિહાસની અમુક ઘટનાઓ ઉપર ફરીથી નજર કરતાં હવે વારંવાર એ પ્રશ્ન મનમાં અફળાઈ રહ્યો છે કે, શું વર્તમાન વડાપ્રધાન મોદી કોઈ ભૂલ તો નથી કરી રહ્યા ને?
— પણ કઈ ભૂલની વાત છે?
એ જ કે નરેન્દ્ર મોદી દેશના દુશ્મનો સામે આકરાં પગલાં નથી લેતાં. જેહાદી તત્વો શાહીનબાગ બનાવીને બેસી ગયા હતા પણ એમની વિરુદ્ધ પગલાં ન લીધાં. હાલ છેલ્લા 100 દિવસ કરતાં વધુ સમયથી ખેડૂત આંદોલનના નામે દિલ્હીની આસપાસ ખાલિસ્તાનીઓએ અડ્ડો જમાવ્યો છે. આ તત્વોએ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં છેક લાલ કિલ્લા સુધી પહોંચીને અરાજકતા ફેલાવી. એ હિંસા માટે જવાબદાર મહેન્દ્ર ટિકૈત અને યોગેન્દ્ર યાદવ જેવા તત્વો સામે પોલીસ કેસ થયો હોવા છતાં એ ભાગલાવાદી તત્વોની ધરપકડ થતી નથી. આવું શા માટે?
ભાજપ અને મોદી સમર્થકોની દલીલ માનીએ તો આ બધી ચાણક્ય નીતિ છે અને આવાં તત્વો ખુલ્લા પડી જશે અને પછી હારી-થાકી જશે. પરંતુ શું આ દલીલ સંપૂર્ણ સત્ય છે? હકીકત તો એ છે કે, સ્થિતિને વધારે સમય કથળ્યા કરવા દેવાથી, અર્થાત અર્બન નક્સલી, જેહાદી, ખાલિસ્તાની તથા રાષ્ટ્ર વિરોધી તત્વોની સામે નિર્ણાયક પગલાં નહીં લેવાથી પ્રજામાં એક પ્રકારે લાંબાગાળે હતાશા આવી શકે છે. પ્રજા અમુક સમય સુધી બધું ચલાવી લઈ શકે, તમારી દલીલ અને તમારી વાતો માની શકે પરંતુ અચોક્કસ મુદત સુધી પગલાં જ ન લેવાય એવું કેવી રીતે ચાલે?
એ સાચું કે કોંગ્રેસ, એનસીપી, બીએસપી, એસપી, આમ આદમી પાર્ટી, ડીએમકે, ટીએમસી સહિત અનેક રાજકીય પક્ષોના ભ્રષ્ટાચારીઓ સામે રાજકીય કારણસર પગલાં ન લેવાય. કેમ કે આવા ભ્રષ્ટાચારીઓ સામે આકરાં પગલાં લેવામાં આવે તો ભારતની મુર્ખ હિન્દુ પ્રજાની તથા ભારતના એજન્ડાધારી મીડિયાની લાગણી એ ભ્રષ્ટાચારીઓ તરફ વળી જતી હોય છે. આવા એક –બે – પાંચ નહીં પણ અનેક કિસ્સા છે અને તેથી કમ સે કમ ભારતમાં તો ભ્રષ્ટાચારી રાજકારણીઓને જેલમાં ધકેલવાનું ચલણ ઓછું છે. પણ…દેશ વિરોધી તત્વો સામે પગલાં ન લેવાય, લાંબા સમય સુધી પોલીસ અને સલામતી એજન્સીઓ તેમની કામગીરીમાં આગળ ન વધી શકે એવી સ્થિતિની લાંબાગાળે ગંભીર આડઅસરો થવાનું જોખમ છે. આ સમગ્ર પ્રક્રિયાની વધારે ચિંતાજનક સ્થિતિ એ છે કે, વધારે સમય વીતી જવાથી દેશવિરોધી અપરાધીઓ, અર્બન નક્સલો, જેહાદીઓ પુરાવાનો નાશ કરી શકે છે, પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અને પરિણામે અદાલત પણ “પુરાવાના અભાવે” આવાં તત્વોને છોડી દે છે. ન્યાયપ્રક્રિયા વિશે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી, પરંતુ આવા અનેક કેસમાં જે “ચુકાદા” આવે છે તેનાથી પ્રજાના ઘણા મોટા વર્ગને નિરાશા થાય છે- એ બાબતની ઉપેક્ષા કરવા જેવી નથી.
દેશની મોટાભાગની રાષ્ટ્રવાદી અને સનાતની પ્રજા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ઉપર ઓળઘોળ છે તેનું કારણ જ આ છે. મહારાજજી અપરાધીઓનો તત્કાળ ન્યાય કરી દે છે. મહારાજજી જેહાદીઓએ બદલી કાઢેલાં આપણાં શહેરોનાં નામો તાબડતોબ બદલી રહ્યા છે. લવ જેહાદ વિરોધી પહેલો કાયદો મહારાજજી જ લાવ્યા. હવે ભાજપ-શાસિત બીજાં રાજ્યો તેનું અનુસરણ કરી રહ્યાં છે. ગયા વર્ષે CAA વિરોધી આંદોલને ઉત્તરપ્રદેશમાં પ્રસરવા પ્રયાસ કર્યો તો મહારાજજીએ લોખંડી હાથે કચડી નાખ્યું હતું. આ વર્ષે ખાલિસ્તાનીઓના ખેડૂત આંદોલને પણ ઉત્તરપ્રદેશમાં પગપેસારો કરવાની હિંમત કરી નથી. પ્રજાને આવાં તત્કાળ પગલાં ગમે છે. એ ખરું કે, વ્યાપક કૂટનીતિને ધ્યાનમાં લેતાં- ખાસ કરીને રાષ્ટ્રીય સ્તરે પગલાં લેવામાં સાવધ રહેવું પડે. આમછતાં, એટલું તો નિશ્ચિત છે કે, સમસ્યાને લાંબા સમય સુધી લંબાવવા દેવાથી તે નુકસાનકારક સાબિત થઈ શકે, પ્રજા નિરાશ થઈ શકે અને શક્ય છે વિશ્વાસ પણ ગુમાવી દે!
– અલકેશ પટેલ