સીબીઆઈ આજકાલ ફરી ચર્ચા છે. સામાન્ય કક્ષાના પત્રકારો અને સામાન્ય કક્ષાના લેખકોની જેમ સીબીઆઈ “વિવાદમાં” છે એવો શબ્દપ્રયોગ હું નહીં કરું. ચર્ચામાં હોવું અને વિવાદમાં હોવું – એ બંને વચ્ચે આકાશ-પાતાળનો તફાવત છે. પણ સીબીઆઈ ફરી રાજકારણીઓના નિશાન ઉપર છે એ સ્પષ્ટ છે.
હકીકતે સીબીઆઈ એક એવો ફૂટબૉલ છે જેને દરેક પક્ષના રાજકારણી બીજા પક્ષના ગોલપોસ્ટમાં નાખવા માગતા હોય છે!
સીબીઆઈ એક વિશિષ્ટ પ્રકારનું તંત્ર છે. હંમેશાં તેની માંગ રહે છે. દેશમાં કોઇપણ મોટી ઘટના બને, તરત સીબીઆઈ તપાસની માગણી શરૂ થવા લાગે. પણ એ જ સીબીઆઈ જ્યારે કોઈ પગલાં લે, ખાસ કરીને રાજકારણી સંડોવાયેલા હોય એવા કેસમાં પગલાં લે ત્યારે રાજકારણીઓ તો સીબીઆઈની ટીકા કરે જ, પણ સાથે બદમાશ મીડિયા પણ સીબીઆઈને વિલન ચીતરવા મથામણ કરે. મીડિયાને બદમાશ એટલા માટે કહું છું કે, સીબીઆઈ અનેક કેસ હેન્ડલ કરે છે અને તેને ઘણાબધા કેસમાં સફળતા મળે છે, પરંતુ એ સફળતા વિશે મીડિયા કશું કહેતું નથી. સીબીઆઈ, પોલીસ વગેરે સફળતા મેળવે ત્યારે મીડિયાના મોંમાં કેમ મગ ભરાઈ જાય છે એ સમજાતું નથી. પણ રાજકારણી સામે કોઈ પગલાં લેવાય ત્યારે ચોક્કસ પ્રકારના મીડિયા – ચોક્કસ પ્રકારના એજન્ડા સાથે સીબીઆઈને બદનામ કરવાનું શરૂ કરી દે છે.
ખેર, મુદ્દો મીડિયાનો નથી જ. મુદ્દો સીબીઆઈની કામગીરી અને રાજકારણનો છે. તમારામાંથી ઘણા વાચકોને યાદ હશે કે, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ બી.એમ. લોધાએ સીબીઆઈને પાંજરામાં પૂરાયેલો પોપટ કહ્યો હતો. સીબીઆઈ અનેક વખત વિવિધ પક્ષના રાજકારણીઓના આક્ષેપનો ભોગ બને છે. જે પક્ષની સરકાર હોય એ સમયગાળામાં સીબીઆઈ વિરોધપક્ષના રાજકારણીઓ સામેના કેસમાં જરા પણ કાર્યવાહી કરે એટલે તેના ઉપર આક્ષેપબાજી શરૂ થઈ જાય. યુપીએની સરકાર હતી અને સીબીઆઈ કોઈ પગલાં લે ત્યારે ભાજપના નેતાઓ એજન્સી વિરૂદ્ધ ફરિયાદ કરતા હતા. ભાજપના નેતાઓને એમ લાગતું હતું કે, સીબીઆઈ કોંગ્રેસના ઈશારે ભાજપને નેતાઓને બદનામ કરવા કામગીરી કરે છે. આથી વિરુદ્ધ હાલ ભાજપની સરકાર છે અને સીબીઆઈ કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ કે બીજા કોઇપણ પક્ષના નેતાઓ સામેના કેસમાં કાર્યવાહી કરે એટલે એ જ રાજકીય કિન્નાખોરીની રેકર્ડ ચાલુ થઈ જાય છે.
મુદ્દો એ છે કે, આવી સ્થિતિ શા માટે આવતી હશે? સીબીઆઈ પગલાં લે તો પણ મુશ્કેલી અને ન લે તો પણ મુશ્કેલી!
હકીકતે સીબીઆઈ સામેના આક્ષેપ સાચા પણ છે અને ખોટા પણ…
હા, આ બંને સ્થિતિ છે. ઘણા કેસ લાંબા સમયથી ચાલતા હોય અને તે અંગે પુરાવા એકત્ર થાય પછી પગલાં લેવાનું શરૂ કરે. હવે એજન્સી જ્યારે પગલાં લે ત્યારે કોઇપણ રાજ્યમાં વિધાનસભાની અથવા લોકસભાની ચૂંટણી આવી હોય એટલે રાજકીય પક્ષો સહાનુભૂતિ મેળવવા સત્તાધારી પક્ષ ઉપર રાજકીય કિન્નાખોરીના આક્ષેપ લગાવી દે. આવા ઘણા કેસમાં જે તે સમયની કોંગ્રેસની કે પછી ભાજપની સરકારનું ધ્યાન પણ ન હોય, છતાં સત્તાધારી પક્ષ ઉપર આક્ષેપ આવે અને શાસને પોતાનો બચાવ કરવો પડે. પણ એથી વિરુદ્ધ કેટલાક કેસમાં ખરેખર રાજકીય કિન્નાખોરી હોય પણ છે. હા, આવા દાખલા ઓછા નથી. દેશમાં કોંગ્રેસની અથવા તેના ટેકાવાળી સરકાર હતી ત્યારે તે સમયના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને તે સમયના ગુજરાતના ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભાજપના નેતાઓને સીબીઆઈનો કડવા અનુભવો થયેલા જ છે. તે ઉપરાંત કોંગ્રેસના નેતૃત્વવાળી યુતિ સરકારમાં જોડાવા તૈયાર ન હોય અથવા તેના ખરડાને લોકસભામાં ટેકો આપવા તૈયાર ન હોય તેવા સપા, બસપા, ટીએમસી, ડીએમકે, ડાબેરી પક્ષો બધાયને સીબીઆઈએ જૂના કેસ ઉખેળીને ડરાવ્યા હોવાના કિસ્સા ઓછા નથી.
હાલ આ મુદ્દો એટલે ઉપસ્થિત થયો કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીનાં પત્ની રૂજિરા બેનરજીને સીબીઆઈએ સમન્સ પાઠવ્યા છે. મજાની વાત એ છે કે, અભિષેક બેનરજીએ ગૃહપ્રધાન અમિત શાહ વિરુદ્ધ 2018માં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો એ સંદર્ભમાં હજુ થોડા દિવસ પહેલાં જ અમિત શાહને કોર્ટના સમન્સ મળ્યા હતા. અને બે ત્રણ દિવસમાં જ રૂજિરા બેનરજીને સીબીઆઈના સમન્સ મળ્યા, જેનો કેસ ગયા વર્ષે નવેમ્બરમાં દાખલ થયેલો હતો. પશ્ચિમ બંગાળમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે એ સર્વવિદિત છે! સ્વાભાવિક છે કે સીબીઆઈ સામે આંગળી ઊઠે. પ્રશ્ન એ થાય કે, નવેમ્બરમાં દાખલ થયેલા કેસમાં ચાર મહિને કેમ એકાએક એજન્સી સક્રિય થઈ? પ્રશ્ન એ થાય કે અમિત શાહને કોર્ટના સમન્સ મળ્યા એના બે દિવસમાં જ એજન્સી કેમ સક્રિય થઈ?
11 ફેબ્રુઆરી, 2021 (13 દિવસ પહેલાંની) સ્થિતિએ સીબીઆઈ પાસે 588 કેસ પેન્ડિંગ છે એવો સત્તાવાર જવાબ કેન્દ્રીય પ્રધાને સંસદમાં આપ્યો છે. આ બધા કેસ ક્યારે અને કેવી રીતે ચાલશે એનો જવાબ કોણ આપશે? સીબીઆઈની ભૂમિકા પણ હંમેશાં આશંકાથી પર હોય છે એવું છાતી ઠોકીને કહી શકાતું નથી. આ જ કારણે પીઢ પત્રકાર વિનિત નારાયણે છેક 1997માં હવાલા કેસના સંદર્ભમાં સીબીઆઈની ભૂમિકા સામે આશંકા ઊભી કરીને સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ત્રાસવાદીઓને સંડોવતા એ હવાલા કૌભાંડની તપાસમાં સીબીઆઈ ઊણી ઉતરી હતી અને નેતાઓ તેમજ સરકારી અધિકારીઓને પહોંચતા હવાલાના નાણા અંગે સીબીઆઈએ કોઈ પગલાં લીધા નહોતા.
ટૂંકમાં, આ એક એવી તપાસ એજન્સી છે જેની પાસે ઘણી સત્તા છે, જેની માંગ ઘણી છે અને સામે તેની કામગીરી વિશે સતત બદનામી પણ થતી રહે છે. આમછતાં, સરવાળે એટલું તારણ તો અવશ્ય નીકળે છે કે, સામાન્ય નાગરિકોને જે રીતે અદાલતો ઉપર વિશ્વાસ છે એવો જ વિશ્વાસ સીબીઆઈ ઉપર પણ ટકી રહ્યો છે. એ જ કારણે જઘન્ય અપરાધના કેસો સીબીઆઈ તપાસ વિના પૂરા નથી થતા એ પણ એટલું જ સાચું છે.
રાજકાજ
– અલકેશ પટેલ