ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પાંચ દિવસથી થઈ રહેલા ઘર્ષણે આખરે ઉગ્ર સ્વરૃપ લઈ લીધું છે. બંને પક્ષ દ્વારા સતત થઈ રહેલા હુમલાને કારણે ભીષય યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઈઝરાયેલ અને પેલ્સ્ટાઈન તરફથી એકબીજા પર થઈ રહેલા હુમલામાં ૧૨૦થી વધુ લોકોનાં મોત થયા છે. જેમાં ૧૧૦થી વધુ કમભાગીઓ તો પેલેસ્ટાઈની રહ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં ઈઝરાયેલનાં ૭થી વધુ લોકો મોતને ભેટ્યા છે. ચારે તરફથી ભીષણ હુમલાને કારણએ પેલેસ્ટાઈનનાં લોકોએ મોટાપાયે હિજરત શરૂ કરી છે. ઈઝરાયેલનાં ડિફેન્સ ફોર્સ દ્વારા ગાઝા પટ્ટી પર બનેલા હમાસનાં કેટલાક વિસ્તારો પર એકસાથે સતત હવાઈ હુમલા કરાઈ રહ્યા છે. હમાસની રોકેટ લોન્ચિંગ સાઈટને તબાહ કરવામાં આવી હોવાનો દાવો પણ થઈ રહ્યો છે. બીજી તરફ હમાસનાં ૩૦૦ રોકેટ મિસફાયર થઈને ગાઝા પટ્ટીમાં જ પડયા છે. એટલે કે, હમાસની સ્થિતિ નબળી રહેતાં તેને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. ઈઝરાયેલની સેના ગાઝા તરફ આગેકૂચ કરી રહી હોવાથી સતત ચિંતા વધી રહી છે. દુનિયાની શાંતિ રાખવાની અપીલ છતાં ઈઝરાયલે હાલ ૯૦૦૦થી વધુ સૈનિકો અને ટેન્કો તેમજ તોપો અને રણગાડી ગાઝા પટ્ટીની બોર્ડર પર ખડક્યા છે. બંને પક્ષ દ્વારા થઈ રહેલા હુમલાને કારણે મોતને ભેટનારાઓમાં ૨૭થી વધુ બાળકો છે. અત્યાર સુધીમાં ઈઝરાયેલનાં ૧૬૦ વિમાનો દ્વારા હમાસનાં ઠેકાણા ઉપર આક્રમક હવાઈ હુમલા કરાયા છે. હમાસનાં ૧૫૦ ઠેકાણાનો નાશ કરાયો હોવાનો દાવો ઈઝરાયલ કરી રહ્યું છે. ઈઝરાયેલનાં આર્મીએ કહ્યું હતું કે, ગાઝા પટ્ટી તરફથી ૧૭૫૦ રોકેટ દાગવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગનાં રોકેટને એર ડિફેન્સ ડોમની મદદથી નિષ્ફ્ળ બનાવાઈ છે. હવે આ યુદ્ધને કારણે આખી દુનિયામાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. ઈસ્લામિક દેશો આ મુદ્દે ઈઝરાયેલનો વિરોધ કરવા એકજૂથ થવાની કાર્યવાહી કરી રહ્યા છે. મુસ્લિમ દેશોનાં સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન દ્વારા આ મામલે યુએનમાં મુદ્દો ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. તુર્કી, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન દ્વારા યુએનની બેઠક બોલાવવા માગણી કરાઈ છે. યુએનનાં વડા ગુટરેસે જંગ રોકવા અપીલ કરી છે. અનેક નિર્દોષ લોકોનાં અગાઉ પણ જીવ ગયા છે.