પશ્ચિમ બંગાળમાં હજુ વિધાનસભા ચૂંટણી જાહેર થઈ નથી, છતાં ગત શનિવાર અને રવિવારે (તા. 19 અને 20 ડિસેમ્બરે) આખું પશ્ચિમ બંગાળ જાણે ચૂંટણીના રંગમાં રગાઈ ગયું હતું અને મોટાભાગના હિન્દી મીડિયાએ પણ એવું જ વાતાવરણ ઊભું કરી દીધું હતું કે જાણે ચૂંટણી જાહેર થઈ ગઈ હોય. કારણ હતું—કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની પ. બંગાળની બે દિવસની મુલાકાત.
અમિત શાહની મુલાકાત દ્વારા ભાજપે ચૂંટણી પ્રચારનો શંખનાદ કરી દીધો હતો એવું કહેવામાં કશું ખોટું નથી. હકીકતે અમિત શાહે તાબડતોબ પશ્ચિમ બંગાળ દોડવું પડ્યું એનું એક કારણ છેઃ ગયા અઠવાડિયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પશ્ચિમ બંગાળની મુલાકાતે હતા અને વાસ્તવમાં તેમણે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો, પરંતુ તેમના કાફલા ઉપર પથ્થરમારો થયો અને તેમાં નડ્ડા સ્હેજમાં બચી ગયા હતા. આ ઉપરાંત તેમની અન્ય એક રેલી પહેલાં બોંબ વિસ્ફોટો પણ થયા હતા. પરિણામે નડ્ડા અને બંગાળ ભાજપના ચૂંટણી પ્રચારની વાત બાજુ પર રહી ગઈ અને હિંસાનો મુદ્દો મુખ્ય બની ગયો. તેથી અમિત શાહનો પ્રવાસ ગોઠવાયો અને ફોકસ પાછું ચૂંટણી ઉપર આવી ગયું.
હવે પ્રશ્ન એ છે કે, શું ભાજપ આ વખતે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બહુમતી મેળવી શકશે? આ પ્રશ્નનો જવાબ “હા” અને “ના” બંને છે.
એ કેવી રીતે?
ચાલો સમજાવું. પહેલાં તો “ના” વિશે વાત કરીએ. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની લોકપ્રિયતા, વગ, ધાક બધું હજુ અકબંધ છે. મમતા બેનરજીએ મુસ્લિમો અને ગરીબો – એમ બે કોર મતબેંકને છેલ્લાં દસ વર્ષમાં લગભગ બાંધીને રાખી છે. મુસ્લિમો મમતા બેનરજી સાથે જોડાયેલા રહે એ સ્વાભાવિક છે કેમ કે દીદી સેક્યુલર-સેક્યુલર રમતા રહ્યા છે. ગરીબો માટે પણ દીદીએ સ્થાનિક સ્તરની ઘણી યોજનાઓ ચલાવીને એમને ખુશ રાખ્યા છે. હા, એ વાત અલગ છે કે, કેન્દ્ર સરકારની ગરીબો માટેની ઘણીખરી યોજનાઓનો દીદીએ તેમના રાજ્યમાં અમલ થવા દીધો નથી. ત્રીજું, દીદીને મહાગઠબંધનનો લાભ મળશે. ભાજપના જેટલા પણ વિરોધી છે – અર્થાત કોંગ્રેસ, ડાબેરીઓ, સપા, બસપા, શિવસેના, એનસીપી બધા સંગઠિત થઈને ભાજપ સામે મેદાનમાં આવશે.
સૌથી અગત્યનો મુદ્દો એ છે કે, હાલની વિધાનસભામાં ભાજપની માત્ર ત્રણ બેઠક છે. ત્રણમાંથી બહુમતી માટે જરૂરી 148થી 150 બેઠક જીતવી એટલું બધું સરળ નથી. અશક્ય નથી, પરંતુ સરળ તો નથી જ.
ગત વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ને 211 બેઠક મળી હતી, અર્થાત સામાન્ય બહુમતી માટે જરૂરી 148 કરતાં 63 બેઠક વધુ. (જોકે ત્યારબાદ કેટલાક વિધાનસભ્યોએ પક્ષમાંથી રાજીનામાં આપ્યાં હોવાથી આ સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ મુદ્દો ગત વિધાનસભા ચૂંટણીમાં મળેલી બેઠકોનો છે.)
તો “હા” માટે કેટલાક મુદ્દા છે, જેમ કે, બંગાળના જે મતદારો પરિવર્તન ઇચ્છતા હશે તે ભાજપ તરફ ઢળશે. એ સિવાય દીદી સળંગ બે મુદતથી શાસનમાં છે તેથી તેમને શાસન-વિરોધી લહેર (એન્ટી-ઇન્કમ્બન્સી)નો સામનો કરવો પડી શકે. દીદીની દીદીગીરીથી કંટાળેલા તેમના પક્ષના નેતાઓએ ભાજપ તરફ જવાનું શરૂ કરી દીધું છે. આ સંકેત પણ પરિવર્તનનો પવન કઈ તરફ છે એ દર્શાવે છે.
કુલ મળીને તાત્પર્ય એ છે કે, ભાજપે ત્રણમાંથી 150 બેઠક સુધી પહોંચવા માટે અસાધારણ મહેનત કરવી પડશે. અમિત શાહે ભલે 200 કરતાં વધુ બેઠકો જીતવાનો દાવો અત્યારથી કરી દીધો. ભાજપે આવા જ દાવા તેલંગણા વિધાનસભાની અને હજુ હમણાં જ હૈદરાબાદ (ભાગ્યનગર) મહાપાલિકાની ચૂંટણી વખતે પણ કર્યો જ હતોને! જોકે, અન્ય રાજ્યોની સરખામણીમાં પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ મતદારોની સંખ્યા ઘણી વધારે છે. આ મુસ્લિમ મતદારોમાં ભાગલા પડે અને ત્યાં ભાજપના ઉમેદવારો પાતળી સરસાઈથી જીતે તો ભાજપ માટે થોડી આશા જાગે. બાકી, એવું કહેવામાં અતિશ્યોક્તિ નથી કે મોદી-શાહ-યોગી માટે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી ઉર્ફે દીદીને પડકારવાનું અઘરું તો છે જ.