સમોસા મોટાભાગના લોકોનો પ્રિય નાસ્તો માનવામાં આવે છે. લોકોને ચા સાથે સમોસા ખાવાનું ગમતું હોય છે, પરંતુ આ સમોસા એક ડોક્ટર માટે ખૂબ જ મોંઘા થઈ ગયા. વાસ્તવમાં તેણે સમોસાનો ઓર્ડર આપ્યો હતો, જેમાં તેણે સમોસાની 25 પ્લેટની બાબતમાં લગભગ એક લાખ રૂપિયા ગુમાવ્યા હતા.
મહારાષ્ટ્રના સાયન વિસ્તારની KEM હોસ્પિટલમાં કામ કરતા 27 વર્ષીય ડૉક્ટરે શનિવારે સવારે 8.30 વાગ્યે સમોસાનો ઓર્ડર આપ્યો હતો. તેને ખબર નહોતી કે માત્ર 25 પ્લેટ સમોસા માટે તેણે 1.40 લાખ રૂપિયા ચૂકવવા પડશે. ડોક્ટરે જણાવ્યું કે શનિવારે તે તેના મિત્રો સાથે પિકનિક માટે કર્જત જઈ રહ્યો હતો, તેથી તેણે રસ્તામાં સમોસા ખાવા માટે ઓર્ડર કર્યો. તેણે ગુરુકૃપા રેસ્ટોરન્ટમાંથી કુલ 25 પ્લેટ સમોસાનો ઓર્ડર આપ્યો, જેના માટે તેને ફોન પર 1500 રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું.
ડૉક્ટરે આપેલા નંબર પર પેમેન્ટ કર્યું. ત્યારબાદ તેને ફોન આવ્યો કે તેનું પેમેન્ટ થયું નથી અને તેને બીજા નંબર પર પેમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું. જ્યારે તેણે આપેલા નંબર પર પેમેન્ટ કર્યું ત્યારે તેના ખાતામાંથી પહેલા 28 હજાર રૂપિયા કપાઈ ગયા હતા. જે બાદ તેને વધુ પૈસા કાપવા માટે બે-ત્રણ મેસેજ આવ્યા હતા. ડૉક્ટરે તરત જ તેનું એકાઉન્ટ બ્લોક કરાવી દીધું, પરંતુ ત્યાં સુધીમાં ઠગ તેના ખાતામાંથી 1.40 લાખ રૂપિયા ઉપાડી ગયા હતા.