મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં મંગળવારે સર્જાયેલા બસ અકસ્માતમાં નહેરમાં ખાબકેલી બસમાં સવાર 47 લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ સ્થળ પર સૌથી પહેલા પહોંચનારાઓમાં સામેલ યુવતી શિવરાનીએ દાખવેલી બહાદૂરતા કાબિલે તારીફ રહી હતી. આ દિકરીએ કોઈ પણ વિચાર કર્યા વગર નહેરમાં ઝંપલાવીને બે મુસાફરોને ઉગારી લીધા હતા. એમપીના રીવા-સીધી બોર્ડર નજીક ચૂહિયાઘાટી નજીક આવેલી બાણસાગર નહેર પાસેથી મંગળવારે સવારે 8 વાગ્યા આસપાસ પસાર થતી એક બસના ચાલકે સવારે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેને કારણે મુસાફરોથી ભરેલી બસ નહેરમાં ખાબકી પડી હતી.
દુર્ઘટના વખતે બસમાં 60 લોકો સવાર હતા. જયારે મંગળવારે સાંજ સુધીમાં આ દુર્ઘટનમાં કુલ 47 લોકો મોતને ભેટ્યાની પૃષ્ટિ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે જોતરાઈ હતી. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. નહેરમાં પાણી પણ વધારે હોવાથી આખી બસ જ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જયારે ઘટના બાદ આસપાસના ગામના લોકો પણ સ્થળ પર મદદ માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન જ એક દિકરીએ દાખવેલી સાહસિકતા પ્રસંશાને પાત્ર બની છે. ઘટના બાદ બાજુના ગામમાં રહેતા શિવરાની તરત જ સ્થળ પર પહોંચી હતી. તેણીએ જોયું કે, આખી બસ જ નહેરના પાણીમાં ગરક થઈ ગઈ છે. જો કે, આ પહેલા તે પુલ પાસે જ હતી. તેથી તેણીએ બસ પુલથી આગળ નીકળતા અને નહેરમાં ખાબકતા નજરે નિહાળી હતી. શિવરાનીને પહેલા તો શુ થયું તે કાંઈ સમજાયું નહીં. પરંતુ તે પછી તેણે પોતાના જીવની પરવા કર્યા વિના જ નહેરમાં છલાંગ લગાવી દીધી હતી.
આ દરમિયાન તેણીએ બે મુસાફરોને જીવતા બચાવી લીધા હતા. તરુણીના આ સાહસ અંગેની વાતો મીડિયામાં ફેલાઈ હતી. આ સાથે જ રાજ્યના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને શિવરાનીના સાહસને સલામ કરતા લખ્યું હતુ કે, હું આ દીકરીને ધન્યવાદ આપું છું. આખા પ્રદેશને તમારા પર ગર્વ છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માત સમયે બસમાં મુસાફરી કરી રહેલા મોટાભાગના લોકો નર્સિંગના વિદ્યાર્થી હતા. તમામ લોકો સીધીથી સતના પરીક્ષા આપવા માટે જઇ રહ્યા હતા, પરંતુ તેઓને રસ્તામાં કાળ ભેટી ગયો હતો. અકસ્માતમાં મરનારામાં મોટાભાગના વિદ્યાર્થીઓ જ છે. દુર્ઘટના બાદ રીવા ઝોનના તમામ મોટા અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીડિતો પ્રત્યે સાંત્વના પાઠવી તમામ સંભવ મદદ કરવા જાહેરાત કરી હતી.