ગુજરાતમા કોવિડ 19ની અસર દરેક ક્ષેત્રમાં પડી રહી છે. હાલમાં સુપ્રિમ કોર્ટે કરેલા એક આદેશને કોવિડને કારણે અસર થઈ છે. જમીન- મિલકતના તળિયાની કિંમત નક્કી કરતા પ્રવર્તમાન એન્યુએલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ- ૨૦૧૧ એટલે કે જંત્રી ફેરફારની પ્રક્રિયા પણ કોવિડને કારણે અસરગ્રસ્ત થઈ છે. મળતી વિગતો મુજબ માર્ચ-૨૦૨૦માં કોરોનાની મહામારીના આરંભે ગુજરાતના મહેસૂલ વિભાગે એપ્રિલ-૨૦૧૧થી અમલમાં આવેલી નવી જંત્રી સંદર્ભે સમીક્ષા શરૂ કરી હતી. લોકડાઉન બાદ પણ નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા ૧૦ વર્ષ અગાઉ બેઝલાઈન માટે તૈયાર કરાયેલા ગ્રામ્ય વિસ્તારોના ૩.૫૬ કરોડ અને શહેરી વિસ્તારોના ૧.૦૮ લાખ વેલ્યુઝોનમાં નોધાયેલા દસ્તાવેજોને આધારે જંત્રીના દર વિશે સમીક્ષા શરૃ કરી હતી.
હવે એક દાયકા અગાઉના વેલ્યુઝોનને બદલે બદલાયેલી ભૌગોલિક સ્થિતિ, માળખાગત સવલતો, વીજળી- પાણીની ઉપલબ્ધીને આધારે નવેસરથી વેલ્યુઝોનને આકાર આપી, ટેકનોલોજી બેઝડ જંત્રી અમલમાં મૂકવાની દીશામાં સરકારે કાર્યવાહી આરંભી છે. જો કે, હવે તો કોરોના મહામારી પુરી થયા બાદ જંત્રીના રેટ્સમાં ફેરફાર અંગે નિર્ણય કરવામાં આવનાર છે.
વધુમાં મળતી વિગતો એવી છે કે, વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ- PSC, ૨૦૧૮ અંગે ૨૦૧૬માં વિધાનસભામાં એક રિપોર્ટ રજૂ થયો હતો. જેમાં CAGના રિપોર્ટમાં જંત્રીમાં સુધારો કરવા ભલામણ કરાઈ હતી. એટલુ જ નહિં, ગતવર્ષે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જંત્રી આધારિત ખેડૂતોને ઓછુ વળતર મુદ્દે પણ સુપ્રિમ કોર્ટે ૧૦ વર્ષ જૂના જંત્રીના રેટ્સમાં વધારો કરવા સુચના આપી હતી. જો કે, હવે કોરોનાને કારણે જંત્રીમાં વધારાની પ્રક્રિયા અટકી છે. લગભગ હાલ જંત્રીમાં કોઈ વધારો નહીં થાય તે નિશ્ચિત થઈ ગયું છે. કોરોનાને કારણે આ પ્રક્રિયા સ્થગિત કરી દેવાઈ છે. એટલે કે હવે એફએસઆઈ પર ૪૦ ટકાનો દર યથાવત રહેશે.