27મી જાન્યુઆરીએ ભારતે 72મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી. આ સાથે જ સમગ્ર દેશ ફરી દેશભક્તિના રંગે રંગાયો હતો. આવા સમયે શહિદોને પણ યાદ કરાયા હતા. આ વર્ષે ચાલુ માસમાં જ 18 જાન્યુઆરીએ પાકિસ્તાની સેનાની ગોળીબારમાં ઘાયલ થયેલા સૈનિકનું નિધન થયું હતુ. પાકિસ્તાન દર મહિને સીઝ ફાયરનુ ઉલ્લંઘન કરતું રહે છે. નવેમ્બર મહિનામાં પાકિસ્તાની આર્મીના ફાયરિંગમાં બીએસએફ અને આર્મીના કુલ 5 જવાનો શહીદ થયા હતા. અને કુલ 6 સ્થાનિકો માર્યા ગયા હતા. જવાબી કાર્યવાહીમાં સેનાએ પાકિસ્તાની સેનાના 3 કમાન્ડો સહિત કુલ 11 સૈનિકોને પણ મોતને ઘાટ ઉતારા હતા. 18મી જાન્યુઆરીએ બનેલી ઘટનામાં પણ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરતા જમ્મુ-કાશ્મીરના સુંદરબની સેક્ટરમાં ભારતનો એક જવાન નિશાંત શર્મા ઘાયલ થયો હતો. 18 જાન્યુઆરીએ પાકિસ્તાને કરેલા યુદ્ધવિરામ ભંગ અંગે આર્મીના સુત્રોએ સત્તાવાર સમર્થન આપ્યું હતુ.
આર્મીએ કહ્યું હતું કે, નિશાંત શર્માને આર્મીના 10 જેએકે રાઇફલ્સ યુનિટમાં પોસ્ટીંગ અપાયું હતુ. 18મીએ યુદ્ધવિરામના ભંગ દરમિયાન જમ્મુ-કાશ્મીરના સુંદરબની સેક્ટરમાં ફરજ બજાવતો જવાન નિશાંત શર્મા ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ તેને સારવાર માટે આર્મીની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર દરમિયાન રવિવારે નિશાંત શર્માનું મોત થયું હતુ. પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું તે સમયે ભારતીય સેનાએ પણ ફાયરિંગનો જવાબ આપ્યો હતો. આ પહેલા પાકિસ્તાન સેનાએ મંગળવારે જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં આ જ પ્રકારની હરકત કરી હતી. આ જ સમયે કૃષ્ણ વેલી સેક્ટરમાં બનેલી ફોરવર્ડ પોઝિશન પર ફરજ બજાવતા હવાલદાર નિર્મલસિંહ ઘાયલ થયા હતા. જેનું પણ સારવાર દરમિયાન બુધવારે મોત નીપજ્યું હતું. આમ કાશ્મીર સરહદે પાક.ના ફાયરિંગથી ભારતના બે જવાનના જીવ ગયા હતા.