એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ અને ટેસ્લાના માલિક એલન મસ્ક દુનિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિ બનવા તરફ આગળ વધી રહ્યા હતા. આ સ્પર્ધામાં જેફ બેજોસે બાજી મારી છે. હવે એલન મસ્ક દુનિયાના ધનિકોની યાદીમાં બીજા નંબરે પહોંચ્યા છે. બીજી તરફ અમીરોની યાદીમાં 137 અબજ ડૉલર સાથે બિલ ગેટ્સ ત્રીજા સ્થાને, બર્નાર્ડ અર્નાલ્ટ ચોથા સ્થાને અને મર્ક ઝકરબર્ગ પાંચમા સ્થાને છે. ધનવાનોની આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી ટોપ-10ની યાદીથી બહાર થઈ ગયા છે. અંબાણી પાસે હાલ 79.7 અબજ ડૉલરની સંપત્તી છે. તેથી તેઓ હવે 11મા સ્થાને છે. તેમનું સ્થાન સ્ટીવ બાલમેરએ લઇ લીધુ છે.
2021ના જાન્યુઆરીમાં એલન મસ્ક દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. પરતુ આ નંબર તેની પાસે ઝાઝો સમય રહ્યો ન હતો. અને જેફ બેઝોસે ફરી બાજી મારી લીધી છે. એલન મસ્કનું કુલ નેટવર્થ 190 અબજ ડૉલર છે. જયારે જેફ બેજોસની કુલ સંપત્તિ 191 અબજ ડૉલર ઉપર પહોંચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ટેસ્લાના એલન મસ્ક પાસે છ અઠવાડિયા સુધી દુનિયાના સૌથી અમીર વ્યક્તિનો દરજ્જો રહ્યો હતો. દરમિયાન મંગળવારે ટેસ્લાના શેરની કિંમતમાં 2.6 ટકાનો ઘટાડો આવ્યો હતો. પરિણામે મસ્કની સંપત્તીમાં 4.58 અબજ ડૉલરનો ઘટાડો થઈ ગયો હતો. ટેસ્લાના શેર જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાથી લગભગ 10 ટકા તૂટ્યા છે.