સામાન્ય સંજોગોમાં ભારતમા મોટાભાગની મોબાઈલ નેટવર્કની કંપનીઓ 4G સુપરસ્પીડનો દાવો કરતી રહે છે. જો કે, ગ્રાહકને ટેકનીકલ બાબતોમાં ઝાઝુ જ્ઞાન નથી હોતુ, એટલે મોટાભાગના લોકો કંપનીના દાવાને સાચો માની તે તરફ આકર્ષાય છે. દરમિયાન TRAI દ્વારા જાહેર કરાયેલા ડેટામાં કેટલીક હકીકત બહાર આવી છે. જેમાં રિલાયન્સ જિયો 4G સ્પીડ ચાર્ટમાં ફરી એકવાર અવ્વલ છે.નવેમ્બર માસમાં જિઓનો ડેટા ડાઉનલોડ રેટ 20.8 Mbps રહ્યો હતો. જયારે વોડાફોનનુ પરફોર્મન્સ પણ સારુ રહ્યું હતુ.
નવેમ્બર 2020માં વોડાફોને અપલોડ સ્પીડમાં અન્ય ટેલિકોમ કંપનીઓને પાછળ છોડી હતી. આ સમયગાળામાં વોડાફોનની અપલોડ સ્પીડ 6.5 Mbps રહી હતી. હવે વોડાફોન અને આઈડિયા સેલ્યુલરે તેમના મોબાઇલ વ્યવસાયને વોડાફોન આઈડિયા લિમિટેડ (Vi) તરીકે મર્જ કરી દીધા છે.
ટેલિકોમ રેગ્યુલેટર વાસ્તવિક સમયના આધારે તેની MySpeed એપ્લિકેશનની સહાયથી ડેટા એકત્રિત કરે છે. ટ્રાઇ દ્વારા જાહેર કરાયેલી વિગતોમાં એવો ઉલ્લેખ પણ થયો છે કે, જિયોની ડાઉનલોડ સ્પીડ વોડાફોનની સેવાની તુલનામાં બમણાથી વધુ હતી. બંને કંપનીનો અલગ અલગ નેટવર્ક સ્પીડ ડેટા સ્પષ્ટ છે. નવેમ્બરમાં વોડાફોનની ડાઉનલોડ સ્પીડ 9.8 એમબીપીએસ હતી.
તે જ સમયે આઈડિયા અને ભારતી એરટેલની ડાઉનલોડ સ્પીડ અનુક્રમે 8.8 એમબીપીએસ અને 8 એમબીપીએસ રહી હતી. અપલોડ સ્પીડમાં ડાફોનની સ્થિતિ સારી રહી હતી. જેમાં 6.5 એમબીપીએસની નેટવર્ક સ્પીડ સાથે અપલોડ સેગમેન્ટમાં તે આગળ રહી હતી. જયારે આઈડિયાની સરેરાશ અપલોડ સ્પીડ 5.8 એમબીપીએસની નોંધાઈ હતી. તે જ સમયે ભારતી એરટેલની અપલોડ સ્પીડ 4 એમબીપીએસ હતી અને જિયોની અપલોડ સ્પીડ 3.7 એમબીપીએસ નોંધાઈ હતી. ડાઉનલોડની સ્પીડથી યુઝર્સને ઈન્ટરનેટથી કન્ટેન્ટ સુધી પહોંચવામાં સરળતા રહે છે.