તમિલનાડુના કરુર જિલ્લામાં મંદિરની સામે એક નાગરિકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. એક કિસ્સામાં પોલીસ તપાસ કરી તો વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. મોતને ભેટનાર તે વ્યક્તિએ છેલ્લી વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક રાજકીય પક્ષના વિજય માટે માનતા લીધી હતી. જેમાં તેણે આ પાર્ટી ચૂંટણીમાં વિજયી થશે તો પોતાનો જીવ આપી દેશે તેવી ટેક લીધી હતી. ચૂંટણીમાં તે જ પક્ષ વિજયી થતાં તેની ઈચ્છા પુરી થઈ હતી. હવે તેણે તેની ટેક પુરી કરવા મંદિર સામે જ મોતને વ્હાલી કરી લીધું છે.
તમિલનાડુના કરુર જિલ્લામાં બનેલી આ ઘટનામાં મૃતકની સ્યુસાઈડ નોટ પોલીસે કબજે લીધી હતી. મૃતક નિવૃત્ત સરકારી કર્મચારી હોવા સાથે તેનું નામ ઉલાગનાથન હોવાનું બહાર આવ્યું હતુ. આ વ્યક્તિની ઉંમર 60 વર્ષ હતી. આ વ્યક્તિએ આત્મહત્યાનો દિવસ આષાણ અમાવાસ્યા પસંદ કર્યો હતો. જે તમિળ લોકોમાં એક શુભ દિવસ તરીકે ઓળખાય છે. તેણે તેની સ્યુસાઈડ નોટમાં લખ્યું હતુ કે, ચૂંટણીમાં દ્રવિડ મુનેત્ર કડગમની જીત માટે તેણે ભગવાનને પ્રાર્થના કરી હતી. સાથે જ જો તેની ઈચ્છા પુર્ણ થશે તો તે પોતાના જીવનું બલિદાન આપશે તેવી ટેક રાખી હતી. જે બાદ વિધાનસભઆની ચૂંટણી યોજાતા તેમાં ડીએમકેની જીત થઈ હતી. આ સાથે જ તેની માનતા પુરી થઈ હતી. હવે માનતા પુરી કરવા માટે તેણે ભગવાનને આપેલું વચન પુરુ કરવાનું હતુ.
દરમિયાન તે સવારે ઉઠીને ભગવાનના દર્શન કરવા મંદિરે પહોંચ્યો હતો. ત્યાં પહોંચીને આ શખ્સે તેના શરીરને આગ ચાંપી દીધી હતી. આ સાથે જ શરીરે ગંભીર રીતે દાઝી જવાથી તેનું મોત નિપજ્યું હતુ. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક વ્યક્તિએ ડીએમકે સત્તામાં પરત આવે અને ડીએમકે નેતા અને પ્રધાન સેન્થિલ બાલાજી જીતે તે માટે પ્રાર્થના કરી હતી.