2020ના અંતિમ મહિનામાં ખગોળ વિજ્ઞાનમાં, તારામંડળમાં, બ્રહ્માંડમાં દુર્લભ ઘટના બનનાર છે. જેમાં 21 ડિસેમ્બરે સોમવારે વર્ષની સૌથી લાંબી રાત્રિ રહેશે. આ સાથે જ ગુરુ અને શનિ ગ્રહ એકબીજાની સૌથી નજીક આવશે.
397 વર્ષ પછી બનનારી આ ઘટનાને ‘ધ ગ્રેટ કંજંક્શન’ કહેવાય છે. ટેલિસ્કોપ થકી એક જ લેન્સમાં આ બંને ગ્રહોને નજીક આવ્યાનુ સ્પષ્ટ રીતે જોઈ શકાશે.
સુરતના ખગોળશાસ્ત્રીઓ આ અંગે કહે છે કે, 2020માં 21 ડિસેમ્બરની રાત્રિ વર્ષની સૌથી લાંબી રાત્રિ હશે. આ દિવસે ગુરુ અને શનિનું કજંક્શન એટલે કે, જોડાણ નિહાળી શકશે. આ ઘટના વર્ષો પછી ઘટશે.
માનવ ઇતિહાસમાં તો લગભગ પહેલીવાર બે ગ્રહ આટલા નજીક આવશે. ખગોળવિજ્ઞાન આ પ્રકારની ઘટનાઓને ‘ધ ગ્રેટ કજંક્શન’, ‘ધ ક્રિસમસ સ્ટાર’ કે પછી ‘ધ સ્ટાર ઓફ બેથ્લેહામ’ તરીકે ઓળખાવે છે. 21 ડિસેમ્બરે સાંજે 6.30થી 7.30 દરમિયાન થનારી આ ઘટના ખગોળશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રના રસીયાઓ માટે આ એક ઐતિહાસિક ઘટના હશે. જેમાં ગુરુ અને શનિ ગ્રહ એકબીજાની સૌથી નજીક આવશે. ખગોળશાસ્ત્રમાં કંજંક્શન એટલે કે જોડાણ. એવી ખગોળીય ઘટના જેમાં પૃથ્વીના સાપેક્ષો ચંદ્ર, ગ્રહો વગેરે એકબીજાની નજીક આવે છે. સામાન્ય રીતે તે ગ્રહો એક બીજાથી બહું દુર રહે છે. આખા વર્ષ દરમિયાન ચંદ્ર બીજા ગ્રહો અને તારાઓ નજીક થાય છે. પરંતુ બે ગ્રહોનું એકબીજા નજીક આવવું એ તો વર્ષો વીત્યા પછી બને છે.