મંગળવારે રાત્રે આબુ રોડના ચંદ્રાવતી બ્રિજ પર અજાણ્યા વાહને બાઇક પર સવાર બે યુવકોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. યુવક તેના ફોઇના પુત્ર સાથે લગ્નના આમંત્રણ પત્રિકાનું વિતરણ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. લગ્નના ત્રણ દિવસ પહેલા જ વરરાજાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
મળતી માહિતી મુજબ, આબુરોડ તાલુકાના માવલ ગામમાં રહેતા 22 વર્ષીય શંકર હરજીભાઈ રબારીના લગ્ન 11 ફેબ્રુઆરીએ થવાના હતા. મંગળવારના રોજ શંકર રબારી તેના ફોઇના પુત્ર થાનારામ રબારી સાથે લગ્નના આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરવા નીકળ્યા હતા. મોડી રાત્રે શંકર રબારી અને થાના રબારી કાર્ડ વહેંચીને મોટર સાયકલ પર માવલ ગામે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં આબુ રોડના ચંદ્રાવતી બ્રિજ પર પાછળથી આવતા અજાણ્યા વાહને મોટરસાઈકલને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે તે પુલ પરથી કૂદીને નીચે પડી ગયો હતો, જ્યારે થાનારામનો મૃતદેહ પુલ પર લટકતો જોવા મળ્યો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં શંકર રબારીની વિધવા ફોઇના એકમાત્ર પુત્રનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. શંકર રબારીના અવસાનથી તેમના પરિવાર સહિત સ્થાનિક લોકોમાં શોકનો માહોલ છે.