ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં કોરોનાની બીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે. દરરોજ હવે હજારોની સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે જે બીજી લહેરના પીક વખતે સાડા ત્રણથી ચાર લાખ સુધી પહોંચી ગયા હતા. જો કે, ભારત સહિત દુનિયાના કેટલાક દેશમાં હવે કોરોનાની ત્રીજી લહેર આવવાનો અંદેશો વ્યક્ત કરાઈ રહ્યો છે. તાજેતરમાં કાનપુર આઈઆઈટીએ આ અંગે એક અભ્યાસ પણ કર્યો છે. જેના 3 જુદા જુદા તારણો નીકળ્યા છે. મોટાભાગના લોકો હવે કોરોના વાયરસની ત્રીજી લહેર વધુ ‘આક્રમક’ નહીં રહે તેમ માની રહ્યા છે. પરંતુ વાયરસનો મ્યુટન્ટ ઝડપથી નહીં ફેલાય તો જ તે શક્ય બનશે. ત્રીજી લહેરમાં જો ઝડપથી પ્રસરતો મ્યુટન્ટ હશે તો ત્રીજી લહેરની અસર ‘પ્રથમ લહેર’ જેવી હશે. કોરોના વાયરસનું ‘સૂત્ર’નું વિશ્લેષણ કરનારા વૈજ્ઞાનિકોની ટીમના સદસ્ય એવા ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) કાનપુરના પ્રોફેસર મનિન્દર અગ્રવાલે જણાવ્યું હતું કે, તેઓએ કરેલા અભ્યાસ બાદ ત્રણ સંભવિત પરિણામો જણાયા છે. જો કોરોનાનો મ્યૂટેન્ટ વધુ ઝડપથી ફેલાશે નહીં તો ત્રીજી લહેર વધુ ઘાતક નહીં હોય.આઈઆઈટી કાનપુરના અભ્યાસમાં નીકળેલા તારણો મુજબ પ્રથમ શકયતા એવી છે કે, ઓગસ્ટ સુધીમાં જનજીવન સામાન્ય થઈ જશે અને વાયરસનો કોઈ નવો મ્યુટન્ટ દેખાશે નહીં,.
બીજું તારણ એવું છે કે, જો વાયરસ ઝડપથી મ્યુટેન્ટ થાય તો રસીકરણ 20 ટકા ઓછું અસરકારક હોવાનું પુરવાર થશે. જયારે ત્રીજુ પરિણામ પહેલાના બે તારણો કરતા અલગ છે. આનાથી વૈજ્ઞાનિકો એમ માનીને ચાલે છે કે એક નવો, 25 ટકા વધુ ચેપી મ્યુટન્ટ ઓગસ્ટમાં ફેલાઈ શકે છે. આ પહેલા ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં ગણિતશાસ્ત્રના ‘મોડેલિંગ’ વિશ્લેષણ પર આધારિત એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેમાં ઉલ્લેખ થયો હતો કે, રસીકરણના વિસ્તારનું વિસ્તરણ કરીને કોરોના વાયરસની ત્રીજી લહેરને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. હાલ 40 ટકા વસ્તીએ બીજી લહેરના સમયગાળામાં બંને ડોઝ લઈ લીધા છે. આ રસીકરણને કારણે વાયરસના ચેપની ગંભીરતાને 60 ટકા ઘટાડવાનું લક્ષ્ય છે. અત્યાર સુધી ત્રીજી લહેરને લગતી ચાર પૂર્વધારણા થઈ ચુકી છે. જેને ધ્યાનમાં લેતા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ચેપ આધારિત રોગપ્રતિકારકતા સમય જતાં ઘટશે. તેથી પહેલાથી સંક્રમિત થયેલા લોકો પણ ફરીથી આ વાયરસની ચપેટમાં આવી શકે છે.