વલસાડના વાપીમાં શનિવારે ગુંજન વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ કેબલિંગના ખાત મુર્હતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નાણાપ્રધાન કનુ દેસાઈએ પોતાના વક્તવ્યમાં વાપી ઉદ્યોગકારો અને સરકારના સંકલનમાં અનેક વિકાસના કામો થયા હોવાનો દાવો કર્યો હતો. આગામી દિવસોમાં વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની વર્ષો જુની ટ્રાન્સપોર્ટ નગર માટે જમીન ફાળવવાની અને ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની માંગને લઇને પગલાં લેવાશે એમ તેમણે કહ્યું હતું. દેસાઇએ જણાવ્યું કે આ અંગે પ્રપોઝલ સબમિટ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ પ્રપોઝલ મંજુર કરાવીને વાપીને ટ્રાન્સપોર્ટ નગરની ભેટ આપવામાં આવશે.
ગત વિધાનસભા ચૂંટણીમાં ટ્રાન્સપોર્ટ નગરના પ્રશ્નને લઈને ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ મતદારોએ મતદાનનો બહિષ્કાર કરવાની ધમકી આપી આપી. લોકોના વધતા આક્રોશને ડેમેજ કન્ટ્રોલ કરવા કનુભાઈએ તે સમયે વચન આપ્યું હતું કે તેઓ ટ્રાન્સપોર્ટ નગર માટે વાપીમાં જમીન ફળવશે. જો કે ચૂંટણીના પાંચ વર્ષના વ્હાણા વીતી ગયા બાદ પણ આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય કે પહેલ કનુભાઈ તરફથી કરવામાં આવી નહોતી. ત્યારે હવે ફરીથી ચૂંટણી સામે છે ત્યારે ટ્રાન્સપોર્ટનગરની વાત કરી રહ્યા છે.
નવી સરકારમાં કનુભાઈ નાણાપ્રધાન બન્યા છે અને હાલમાં જ આ સરકારનું છેલ્લું બજેટ રજૂ કરી ચુક્યા છે. વિધાનસભા ચૂંટણી ને આડે ગણતરીના મહિના બાકી છે. ત્યારે ફરી ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ મતદારો આડા ના ફાટે તે માટે શનિવારેકનુભાઈએ ટ્રાન્સપોર્ટ નગર બનવા અંગેની જાહેરાત કરતા ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ લોકો ગેલમાં આવી ગયા છે.