ધ કાશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રી કરવાના સંદર્ભે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરેલ ટીપ્પણીનો ગુજરાત ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેમની ટીપ્પણીને વખોડી કાઢી સખત વિરોધ ગાંધીનગર ખાતે ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યા મુજબ જેહાદી તત્વો દ્વારા કાશ્મીરી પંડિતો પર ધર્મના આધારે કરાયેલ અત્યાચાર અને કત્લેઆમ અંગે સત્ય ઉજાગર કરતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના સંદર્ભે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરેલ નિમ્ન સ્તરની ટીપ્પણીને વખોડી કાઢી.
આ સંદર્ભે કમલમ, સેક્ટર ૨૧ ખાતે કેજરીવાલનું પૂતળા દહન, સુત્રોચ્ચાર અને પ્લે કાર્ડ દર્શાવી ગાંધીનગર મહાનગર ભાજપા દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મહાનગરના મેયર હિતેશ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ફક્ત હિન્દૂ હોવાના કારણે લાખો કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને હજારોની હત્યા બાદ આજે આટલા વર્ષો બાદ જ્યારે ભૂતકાળમાં બનેલી ઘટનાને ઉજાગર કરતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને દેશભરના કરોડો નાગરિકોનો આવકાર મળી રહ્યો છે અને ચારેકોર ફિલ્મની પ્રશંસા થઈ રહી છે ત્યારે ભાજપા શાસિત રાજ્યોએ ફિલ્મને કરમુક્ત જાહેર કરી છે.
પરંતુ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે કાશ્મીરી પંડિતોના અત્યંત સંવેદનશીલ વિષય પર બનેલી ફિલ્મ અંગે પ્રશંસાના શબ્દો તો બોલ્યા ન હતા પરંતુ, પણ છાશવારે વિવિધ ફિલ્મોની પ્રસંશા કરતા અને ઘણી ફિલ્મને દિલ્હીમાં કરમુક્ત કરતા કેજરીવાલ જ્યારે કરોડો દેશવાસીઓના હૃદયને સ્પર્શતી કાશ્મીરી પંડિતોના પલાયન અને હત્યા જેવા અત્યંત ગંભીર મુદ્દા પર બનેલી ફિલ્મ વિષે વિધાનસભામાં મજાક ઉડાવતી ટિપ્પણીઓ કરી હતી.