સુરતમાં મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં સૌપ્રથમવાર ઝંપલાવનાર આમ આદમી પાર્ટીએ એક સાથે 27 બેઠકો જીતીને ભાજપને અચંબામાં મુકી દીધો છે. હવે આપ સુરતમાં તેનો પગદંડો જમાવવા કોર્પોરેશનના કારભારમાં સુધારો લાવવાની નેમ ધરાવે છે. તેથી તેનો પડધો આપ કોઈ સુચન કે વિરોધ કરે તે પહેલાં જ મ્યુનિસિપલના બજેટમાં દેખાયો છે. ગુરુવારે સુરતના મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ સાયન્સ સિટી ખાતે સને 2021-22નું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું હતું. 6534 કરોડના આ બજેટમાં કુલ કેપિટલ બજેટ 3009 કરોડ છે. આ સાથે જ વેરામાં કોઈ વધારો કરાયો ન હતો. બજેટમાં કુલ રેવન્યુ આવકનો લક્ષ્યાંક 3362 કરોડ સામે 3085 કરોડ રૂપિયાના રેવન્યુ ખર્ચ દર્શાવાયો છે. જેમાં 1824 કરોડ મહેકમ પાછળ અને 759 કરોડ રૂપિયા મરામત – નિભાવ અને વિજળી પાછળ ખર્ચવાની જોગવાઈ છે. ડ્રાફ્ટ બજેટમાં ચાલુ વર્ષે પણ ઓક્ટ્રોયની અવેજીમાં સરકાર દ્વારા મળનારી ગ્રાન્ટ ગત વર્ષ જેટલી જ 795 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

કમિશનરે મનપાનું વહીવટી તંત્ર સુરત શહેરના સર્વાંગી વિકાસને કટિબદ્ધ હોવાનો દાવો પણ આ તકે કર્યો હતો. અને સુરત શહેરને વૈશ્વિક સ્તરની સ્માર્ટ સિટી બનાવવાના સંકલ્પને સાર્થક કરવા બજેટમાં તમામ વિસ્તારોના વિકાસની વાતો કરી હતી. બજેટમાં કેપિટલ કામો પૈકી સૌથી વધુ 2562 કરોડ રૂપિયા હેડ ક્વાટર્સ માટે ફાળવાયા છે. જ્યારે વેસ્ટ ઝોન માટે 49 કરોડ, સેન્ટ્રલ ઝોનમાં સૌથી ઓછા 27 કરોડ, નોર્થ ઝોનમાં 69 કરોડ, ઈસ્ટ ઝોન -એમાં 53 કરોડ, ઈસ્ટ ઝોન -બીમાં 54 કરોડ, સાઉથ ઝોનમાં 51 કરોડ અને લિંબાયત ઝોનમાં 63 કરોડ, તથા અઠવા ઝોનમાં સૌથી વધુ 81 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. સુરત મહાનગર પાલિકા દ્વારા આગામી વર્ષમાં શિક્ષણ માટે અંદાજીત 231 કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્મીમેર મેડિકલ કોલેજમાં મેડિકલ સ્નાતક અભ્યાસક્રમ માટે હાલમાં 150ની કેપેસીટી સામે 250 બેડ કરવાનું આયોજન કરવાની પણ ધારણા છે. પાલિકાના સને 2021-22ના કુલ અંદાજીત 6534 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સૌથી વધુ ધ્યાન સુરત શહેરને સસ્ટેનેબલ ઈકો સીટી બનાવવા તરફ અપાયું છે. જેમાં રિસાયકલિંગ – રીયુઝ ઓફ વોટર, રીન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતની યોજના માટે વિશેષ કામગીરી કરવાનો લક્ષ્યાંક રખાયો છે. સ્માર્ટ આંગણવાડી માટે 10 કરોડ અને સ્માર્ટ સ્કુલ માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં છે. આ બજેટમાં સૌથી મહત્વની બાબત મહોલ્લા ક્લિનીક છે. દિલ્હીની જેમ સુરતમાં પણ મોટાભાગના વિસ્તારોમાં આરોગ્ય સુવિધા સરળતાથી મળે તે માટે બજેટમાં આયોજન રજૂ કરાયું છે.