ખેરગામ તાલુકામાં ખાદ્ય ગોળ વેચતા વેપારી પાસેથી ૫ હજારની લાંચ લેતાં ખેરગામનો એએસઆઇ પોલીસ રંગેહાથ ઝડપાયો હતો. આરોપી ખેરગામ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. દિવાભાઇ ધાકલુભાઇ દાહવાડે ફરીયાદીને લોકો તારી પાસેથી ગોળ લઇ જાય છે અને દારૂ બનાવે છે જો હવે પછી તારી દુકાનેથી કોઇ ગોળ લઇ જશે અને દારૂ બનાવશે અને તે પકડાઇ જશે તો તારૂ નામ પણ આરોપી તરીકે ખોલી નાખીશ અને જો તારે ગોળ વેચવો હોય તો હપ્તા પેટે રૂ. ૫,૦૦૦/- આપવા પડશે એમ જણાવ્યું હતું. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય વલસાડ અને ડાંગ એ.સી.બી.પો.સ્ટે.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજનમાં આરોપીએ ફરીયાદી પાસે હેતુલક્ષી વાતચીત કરી ૫,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાટી બાવાસી ફળીયું જાહેર રોડ ઉપર આરોપી લાંચની રકમ સ્વીકારવા જતાં સ્થળ ઉપર પકડાઇ ગયો હતો. લાંચમાં લીધેલા ૫૦૦૦ રૂપિયા પણ જપ્ત કર્યા હતા. આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. લાંચના છટકામાં વલસાડ અને ડાંગ એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.આર.સકસેના અને એ.સી.બી. સ્ટાફ જોડાયો હતો. તપાસ એ.સી.બી. સુરતના મદદનીશ નિયામક શ્રી એન.પી.ગોહિલ કરી રહ્યા છે.