મંગળવારે રાત્રે પોંડુચેરીના લેફ્ટનેન્ટ ગવર્નરના પદ પરથી કિરણ બેદીને દૂર કરાયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યાલયે મંગળવારે સાંજે જારી કરેલા એક લેખિત નિવેદનમાં પોંડુચેરીના એલજી કિરણ બેદીને તાત્કાલિક તેનો પદભાર છોડી દેવા જણાવાયું હતુ. આ સાથે જ તેલંગાણાના રાજ્યપાલ તમિલિસઈ સૌંદરારાજનને પોંડુચેરીના ઉપરાજ્યપાલની જવાબદારી આપવામાં આવી હતા. કિરણ બેદી પહેલાથી જ ભાજપ તરફી વિચારધારા ધરાવે છે. અન્ના હજારેના આંદોલન બાદ કેજરીવાલ સહિતના જાગૃત નાગરિકોએ કોંગ્રેસની ચેલેન્જને સ્વીકારી આમ આદમી પાર્ટીનું ગઠન કર્યું હતુ. ત્યારે કિરણ બેદી તેઓથી અલગ થઈ ગયા હતા. જે બાદ તેઓએ ભાજપમાં જોડાઈને સૌને આંચકો આપ્યો હતો. કિરણ બેદીની વફાદારીને કારણે જ તેને એલજી બનાવાયા હતા. જો કે, અચાનક તેમને પોંડુચેરીના એલજી પદેથી દૂર કરવાના પગલાને લઈને દેશમાં અટકળોનો દોર ચાલી રહ્યો છે.
મળતી વિગતો મુજબ 29 મે 2016ના રાજો કિરણ બેદીને પોંડુચેરીના ઉપરાજ્યપાલ નિમવામાં આવ્યા હતા. જયારે મંગળવારે તેમને પદ પરથી હટાવાયા તે પહેલાં કિરણ બેદી સરકારી કામમાં લાગ્યા હતા. કિરણ બેદીએ ટ્વીટ કર્યું હતુ કે, પોંડુચેરીમાં કોરોના વેક્સિનેશન ઓછું કેમ છે તેની જાણકારી લઇ રહી છું. સુત્રોના જણાવ્યા મુજબ 2021માં 10 ફેબ્રુઆરીએ પોંડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસ્વામીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી અને એલજી કિરણ બેદી અંગે રજૂઆત કરી હતી. આ સમયે નારાયણસ્વામીએ રાષ્ટ્રપતિ સમક્ષ કહ્યું હતુ કે, પોંડુચેરીમાં ઉપરાજ્યપાલ ચૂંટાયેલી સરકારના પ્રસ્તાવોના અમલમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. નારાયણ સ્વામીની આ રજૂઆતને પગલે રાષ્ટ્રપતિ ભવને આ નિર્ણય લીધો હોવાની પ્રબળ સંભાવના છે. બીજી તરફ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પોંડુચેરી પ્રવાસથી પહેલા ધારાસભ્ય એ જૉન કુમારે મંગળવારના વિધાનસભાની સદસ્યતાથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો હતો. મુખ્યમંત્રી વી નારાયણસ્વામીના નજીક મનાતા કુમારના રાજીનામાને વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક ઝટકો લાગ્યો છે. રાહુલની મુલાકાત પહેલા વિધાનસભાથી રાજીનામું આપનારા તેઓ ચોથા કૉંગ્રેસી ધારાસભ્ય છે. કુમારના રાજીનામા પહેલાં વરિષ્ઠ ધારાસભ્ય મલ્લાડી કૃષ્ણા રાવે પણ રાજીનામુ આપ્યું હતુ. સ્વાસ્થ્ય મંત્રી બાદ તેમણે સોમવારે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતુ.