મોદી સરકારે બહુમતિને જારે પસાર કરેલા 3 કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે બે મહિનાથી હજારો ખેડૂતોએ દિલ્હી બોર્ડર પર અડીંગો જમાવી દીધો છે. સરકાર સાથેની 11 બેઠકો નિષ્ફળ રહ્યા બાદ હવે ખેડૂતોએ 26મીએ દિલ્હીમાં ટ્રેકટર પરેડ યોજવા સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. જો કે, અત્યાર સુધી મોદી સરકાર અને ખુદ દિલ્હી પોલીસ એવું ઈચ્છતી ન હતી કે, ખેડૂતો આ ટ્રેકટર પરેડ યોજે. કારણ કે, 26મીએ ગણતંત્ર દિવસને લઈને સરકારી કાર્યક્રમોની ભરમાર હોય છે. આવા સંજોગોમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન મોદી સરકારની છબીને નુકસાન પહોંચાડવા સાથે તેની કાર્યશૈલી તથા નિર્ણયો સામે સવાલ ઉભા કરે તેમ છે. જો કે, લાખ પ્રયાસો છતાં ખેડૂતો ટ્રેકટર પરેડ કરવા મક્કમ રહેતા આખરે દિલ્હી પોલીસે રેલીને મંજૂરી આપી દીધી છે.
નવા કૃષિ કાયદાઓને લઈને દિલ્હીમાં ખેડૂતો આક્રમકતા સાથે આંદોલન કરી રહ્યા છે. મોદી સરકાર ખેડૂતોની માંગ સ્વીકારવા પહેલાથી જ નકારાત્મક વલણ દાખવી રહી હોવાથી ખેડૂતોએ અગાઉથી જ 26મીએ દિલ્હીમાં જ મોદી સરકારના કાર્યક્રમની સમાંતર ટ્રેકટર પરેડની જાહેરાત કરી હતી. જેને પગલે સરકારે આ મામલે સુપ્રિમ સુધી દ્વારા ખખડાવી જોયા છે. જો કે, સુપ્રીમે આ બાબતને દિલ્હી પોલીસનો અધિકાર ગણાવી દડો ફેંકી દીધો હતો. જેને પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલયના સીધા તાબામાં આવતી દિલ્હી પોલીસ ગૂંચવાય હતી. જો કે, વિવાદ વધે તેમ હોય, પોલીસે ટ્રેકટર પરેડની મંજૂરી આપી છે. બીજી તરફ ખેડૂતોએ કહ્યું હતુ કે, તેઓની કિસાન ગણતંત્ર પરેડ નક્કી કરેલા સમયે જ નીકળશે. આ અંગે દિલ્હી પોલીસ સાથે ચર્ચા થઈ ગઈ છે. ખેડૂત પ્રતિનિધિઓ અને પોલીસની બેઠક બાદ યોગેન્દ્ર યાદવે કહ્યું કે, 26 જાન્યુઆરીએ ખેડૂત આ દેશમાં પહેલીવાર ગણતંત્ર દિવસે પરેડ કરશે. પાંચ વખતની વાતચીત બાદ ખેડૂતોની વાતોને પોલીસે મંજૂર રાખી છે.
26મીએ દિલ્હીના તમામ બેરિકેડ ખુલી જશે. અમે દિલ્હીની અંદર આવીશું અને માર્ચ કરીશું. રૂટ અંગે મોટા ભાગે સહમતિ બની ગઈ છે. એક ઐતિહાસિક અને શાંતિપૂર્ણ પરેડનું આયોજન થશે. આ પરેડથી ગણતંત્ર દિવસની પરેડ કે સુરક્ષા વ્યવસ્થા પર કોઈ પ્રભાવ પડશે નહીં. એક એવી ઐતિહાસિક ખેડૂત પરેડ હશે જે આ દેશે ક્યારેય જોઈ નહીં હોય. ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામ સિંહ ચાદુનીએ કહ્યું કે, હું પરેડમાં ભાગ લેનાર ખેડૂતોને અનુશાસન જાળવી રાખવી અપીલ કરું છુ. સમિતિ દ્વારા આ માટે જાહેર નિર્દેશો જારી કરી દેવાયા છે. પરેડ દરમિયાન દેશની સુરક્ષા કે આન-બાન-શાન પર કોઈ આંચ નહીં આવે તે માટે ખેડૂતો પણ પ્રતિબદ્ધ છે.