પાકિસ્તાનની યુનિ. કેમ્પસમાં જાહેરમાં યુવક સમક્ષ યુવતીએ પ્રેમનો એકરાર કરવાની ઘટનાએ સમગ્ર વિશ્વના સોશિયલ મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે. જો કે, રૃઢીચૂસ્ત પાકિસ્તાનમાં શાસકોને આ વાત પસંદ આવી નથી. લાહોર યુનિ.માં બનેલી આ ઘટના બાદ તે યુવક યુવતીની યુનિ.માંથી હકાલપટ્ટી કરી દેવાઈ છે. પાંચ દિવસ પહેલાં જ પાકિસ્તાનની લાહોર યુનિવર્સટીના કેમ્પસમાં એક યુવતીએ પોતાના બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યુ હતુ. યુવતીએ ઘુંટણીએ પડીને તેના બોય ફ્રેન્ડને પ્રપોઝ કર્યા બાદ તે બંને એકબીજાને ગળે વળગી પડ્યા હતા. આ ઘટનાને યુનિ. કેમ્પસમાં હાજર અન્ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને કેદ કરી લીધી હતી. જે બાદ તે વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવવા માંડ્યો હતો. આ ઘટના પાકિસ્તાનની હોવાની જાણ થતાં તંત્ર અને સરકારમાં પણ હાહાકાર મચી ગયો હતો. આમ તો એક શિષ્ટતા સાથે કરાયેલી હરકત સામે કોઈને વાંધો ન હતો. પરંતુ સરકાર અને યુનિ.ને તે ગમ્યુ ન હતુ. કારણ કે, પાકિસ્તાનમાં વસતો મુસ્લિમ સમુદાય આજે પણ કટ્ટરવાદ અને રૃઢીચૂસ્તતામાં માને છે.
વિડિયોમાં જોઈ શકાય છે કે, ફૂલોના બૂકે સાથે યુવતીએ ઘૂંટણીએ પડીને બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યુ હતુ. આ સમયે યુવતીના પ્રપોઝને તાળીઓ પાડીને ત્યાં હાજર સૌકોઈએ વધાવી લીધુ હતુ. જોકે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિવાદને કારણે લાહોર યુનિવર્સિટી દ્વારા તાબડતોબ તપાસ કરવામાં આવી હતી. જે બાદ તે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીને યુનિ.માંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. યુનવિર્સિટીનુ કહેવુ છે કે, શિસ્તભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર ઘટના અંગે તપાસ સમિતિ રચાઈ હતી. જે સમિતિએ તપાસ બાદ તારણ કાઢયું હતુ કે, બંને સ્ટુડન્ટે યુનિ.ના નિયમોનો ભંગ કર્યો છે. આખરે તે બંનેને કમિટી સમક્ષ હાજર રહેવા સુચના આપવામાં આવી હતી, જો કે, યુવક અને યુવતી કમિટી સમક્ષ હાજર રહ્યા નહોતા. આખરે તેમને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે. જો કે, પાકિસ્તાનમાં યુનિ.એ લીધેલા આ પગલાની ટીકા પણ મોટાપાયે થવા માંડી છે. ત્યાં સોશિયલ મીડિયા સાથે સંકળાયેલો મોટોવર્ગ યુનિ.ના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યો છે.