ભારતના મોટા શહેરો પ્રદૂષણની સમસ્યાથી છેલ્લાં પાંચ સાત વર્ષથી પીડાઈ રહ્યા છે. ખુદ દિલ્હીમાં આ સમસ્યા સૌથી વધુ છે. કેન્દ્ર સરકાર આમ તો ઘણાં સમયથી પ્રદૂષણ બાબતે ચિંતા જાહેર કરતી રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વિવિધ રાજયો સરકારોને પણ આ વિશે ચેતવણી અપાતી રહી છે. પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર આયોજન થયું નથી. ત્યારે દેશમાં પહેલું CNG ટ્રેક્ટર લોન્ચ કરીને સરકારે તે દીશામાં પહેલુ ડગ માંડ્યું છે. રાવમેન્ટ ટેકનો સોલ્યુશન અને ટોમાસેટો એશિલ ઈન્ડિયા સાથે પાર્ટનરશીપમાં નંખાયેલા પ્લાન્ટમાં આ ટ્રેકટર બનાવાયું છે. આ રેટ્રોફિટેડ CNG ટ્રેક્ટરમાં ડીઝલ એન્જિનવાળા ટ્રેક્ટરની જ તમામ મીકેનીઝન ફીટ કરાઈ છે. કૃષિ કાયદાને કારણે ખેડૂતોની નારાજગીનો સામનો કરી રહેલી સરકારે આ તકે તકનો લાભ ઉઠવતા કહ્યું હતુ કે, આ ટ્રેક્ટરથી ખેડૂતોને ખર્ચો ઓછો થશે, જેના દ્વારા તે વર્ષે 1.5 લાખ રૂપિયાની બચત કરી શકશે.
મંત્રી નીતિન ગડકરીએ રવિવારે સીએનજી ટ્રેકટરને માર્કેટ માટે ખુલ્લુ મુક્યું હતુ. ટ્રેક્ટરને લોન્ચ કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતુ કે, CNGની સાથે રેટ્રોફિટેડ ડીઝલ ટ્રેક્ટર ખેડૂતોનો ખર્ચ ઓછો કરવામાં યોગદાન આપશે. દર વર્ષે ટ્રેકટર પાછળ એક ખેડૂતને 3 લાખથી 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ત્યારે CNG ટ્રેક્ટરનો ઉપયોગ ખેડૂતના ખર્ચમાં 1.5 લાખ સુધીનો ઘટાડો કરશે. પ્રદૂષણ અંગે ફોડ પાડતા ગડકરીએ કહ્યું કે, ડીઝલના મુકાબલે CNG ટ્રેક્ટર 50 ટકાથી પણ ઓછું કાર્બનનું ઉત્સર્જન કરશે. તેવામાં પર્યાવરણ માટે નવુ ટ્રેક્ટર ફાયદારૃપ સાબિત થશે. ખેતરમાં દિવસ રાત ટ્રેક્ટર ચાલે છે પરંતુ CNG ટ્રેક્ટરના ચાલવાથી પ્રદૂષણમાં ઘટાડો થઈ શકે છે. વળી CNG ટ્રેક્ટરમાં મેઈન્ટેનન્સ આછું આવશે. કેન્દ્ર સરકારે 2022 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવાની નેમ રાખી છે. તેથી આ પ્રકારે ખર્ચ ઘટાડવા પણ આયોજન થઈ રહ્યું છે.