જો તમે પણ તમારા બાળક સાથે બાઇક પર મુસાફરી કરો છો, તો સાવચેત રહો. હવે બાળકો માટે પણ હેલ્મેટ ફરજિયાત બની ગયું છે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ બુધવારે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મોટરસાઈકલ પર લઈ જવા માટે નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં બાળકો માટે સેફ્ટી હેલ્મેટ અને સેફ્ટી બેલ્ટ (હાર્નેસ)નો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે.
નવા નિયમો અનુસાર, ચાર વર્ષ સુધીના બાળકને પાછળની સીટ પર લઈ જવા માટે મોટરસાઈકલની ઝડપ 40 કિમી પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ, એમ એક સત્તાવાર રિલીઝમાં જણાવાયું છે. આ નિયમો સેન્ટ્રલ મોટર વ્હીકલ (બીજો સુધારો) નિયમો, 2022 ના પ્રકાશનની તારીખથી એક વર્ષ પછી અમલમાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે સેફ્ટી બેલ્ટ અથવા હાર્નેસનો ઉપયોગ ચાર વર્ષથી ઓછી ઉંમરની બાળકો માટે મોટરસાયકલ સવાર સાથે ‘જોડાવા’ માટે કરવામાં આવશે. અન્ય એક નિવેદનમાં, મંત્રાલયે કહ્યું કે ખતરનાક અથવા જોખમી માલસામાનનું વહન કરતા દરેક વાહનને વાહન મોનિટરિંગ સિસ્ટમ ઉપકરણથી સજ્જ કરવામાં આવશે. આ અંગે 30 દિવસમાં સંબંધિતો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે.