સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ટોલ ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. સરકાર ટોલ ટેક્સ સંબંધિત બિલ લાવી શકે છે. કેન્દ્રીય મંત્રી અનેક વખત સંકેત આપી ચૂક્યા છે કે આગામી દિવસોમાં ટોલ ટેક્સ વસુલાતનું સમગ્ર કામ ટેક્નોલોજી દ્વારા કરવામાં આવશે.
નીતિન ગડકરીએ તાજેતરમાં કહ્યું હતું કે હવે ટોલ પ્લાઝા હટાવીને કેમેરા લગાવવાની યોજના છે. લોકોને ટૂંક સમયમાં ટોલ ટેક્સ ચૂકવવાની જરૂર નહીં પડે. હાઇવે પર વાહન ચલાવવા પર, કાર સાથે જોડાયેલા બેંક ખાતામાંથી સીધો ટેક્સ કાપવામાં આવશે.
ગડકરીએ કહ્યું કે વર્ષ 2019માં આ અંગે એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે તમામ વાહનો કંપનીની ફીટ નંબર પ્લેટ સાથે આવશે. હવે હાઈવે પર લાગેલા કેમેરા આ નંબર પ્લેટ વાંચશે અને ટોલ સીધો બેંક ખાતામાંથી કપાશે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે સરકાર આ યોજનાને લઈને એક પાયલોટ પ્રોજેક્ટ પણ ચલાવી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટોલ ટેક્સ ન ભરનારાઓ સામે જલ્દી કાયદો લાવવાની જરૂર છે. હાલમાં કાયદામાં ટોલ પ્લાઝા છોડીને ટોલ ન ભરનાર વાહન માલિકને સજા કરવાની કોઈ જોગવાઈ નથી. સરકાર આવા વાહનો માટે નવો નિયમ પણ લાવી શકે છે, જે નંબર પ્લેટ સાથે છેડછાડ કરશે. આવા વાહનોને નિયત સમયમાં નંબર પ્લેટ લગાવવા માટે કહેવામાં આવશે.