વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી યોજાયા બાદ ભારતમાં કોરોના સંક્રમણ વધી ગયું હતુ. જેને પગલે સરકારી અને બિનસરકારી, ખાનગી જાહેર કાર્યક્રમો પર પણ પ્રતિબંધો મુકાયા છે. બીજી તરફ ડીસેમ્બરના પહેલા અઠવાડિયે જ રાજયની આઠ મનપા ઉપરાંત જિલ્લા પંચાયતોની અવધિ પુરી થઈ ગઈ છે. તેથી હાલ આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં વહિવટદારનુ શાસન ચાલી રહ્યું છે.
હવે ૨૦૨૧ના આરંભે એટલે કે ફેબ્રુઆરીના અંતમાં સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં નવા શાસકો માટે ચૂંટણી કરવા પંચ સક્રિય થયું છે. મતદાર મંડળોની આખરી પ્રસિધ્ધી ૨જી ફેબ્રુઆરીએ થશે. આથી ફેબ્રુઆરીના છેલ્લા ૧૦ દિવસમાં બે તબક્કે મતદાનની તારીખો જાહેર થાય તેવી શકયતા છે. ચૂંટણી પંચના સુત્રોના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીના ચોથા સપ્તાહમાં પાંચ દિવસના અંતરે પહેલા ૬ મ્યુનિસપલ કોર્પોરેશન અને તે પછી ૮૩ નગરપાલિકા, ૩૧ જિલ્લા અને ૨૩૧ તાલુકા પંચાયતો માટે મતદાનની વ્યવસ્થા કરવા આયોજન થઈ રહ્યું છે.
રાજ્ય ચૂંટણી આયોગે સોમવારે વોર્ડ, બેઠક વાઈઝ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી સંદર્ભે આદેશો પણ બહાર પાડી દીધા હતા. હવે નાગરિકો કે રાજકીય પાર્ટીઓ વાંધા સુચનો પણ રજૂ કરી શકશે. રાજ્ય ચૂંટણી આયોગ ૨૬મી જાન્યુઆરી પહેલા ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરે તેવી શકયતા છે.
આયોગે ૧લી જાન્યુઆરી ૨૦૨૧ની સ્થિતિએ ગુજરાત વિધાનસભાની પ્રસિધ્ધ થયેલી ફોટાવાળી મતદારયાદીને આધારે જિલ્લા- તાલુકા પંચાયતોના મતદાર મંડળોની વિભાગવાર યાદી પણ એ જ દિવસે પ્રસિધ્ધ કરવા નિર્ણય કર્યો છે. મતદારયાદીમાં મ્યુનિસપલ કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોના મતદારો તરફથી અપાયેલા સુધારા વધારાની દાવા અરજી ૧૮ જાન્યુઆરી સુધીમાં સ્વીકારાશે. જે બાદ ૨૫ જાન્યુઆરી પહેલા ચૂંટણી અધિકારીઓ વાંધા સુચનો વિશે નિર્ણય લેશે. આવા સંજોગોમાં ૨૬ જાન્યુઆરી પહેલા ગમે ત્યારે ચૂંટણીની તારીખો સાથે આખો કાર્યક્રમ જાહેર થવાની ગણતરી રાજકીય પક્ષો અને ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માંડી રહ્યા છે.