ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા બે મહિનાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારી શરૃ કરી દેવાઈ છે. આ વખતે આ ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ પણ ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે. સ્વરાજ્યની ચૂંટણી પહેલા AIMIMના પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. AIMIMના પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્વ MLA સાબિર કાબલીવાલાના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો છે.
ઔવેસીએ પણ કાબલીવાલાને ગુજરાત પ્રદેશ પ્રમુખ પદે નિયુક્તિ થવા બદલ ટ્વીટ કરને અભિનંદન આપ્યા હતા. ગુજરાતમાં આમ તો વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ એમ બે જ પાર્ટીનો ચૂંટણી દરમિયાન દબદબો રહ્યો છે. વિધાનસભામાં પણ અપક્ષો અને અન્ય પાર્ટીના ચૂંટતા સભ્યોની સંખ્યા 10થી વધી નથી. આમ છતાં ઔવેસીની પાર્ટી આ વખતે ચુંટણી લડશે તેવો નિર્ણય કરાયો છે. રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છોટુ વસાવાની BTP-ઓવેસીની AIMIM પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં તમામ બેઠકો પરથી ઝંપલાવવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં લઘુમતિઓની વસ્તી પણ નોંધપાત્ર છે.
શહેરોમાં કેટલાક વિસ્તારમા તે મ્યુનિસિપલની બેઠકની ચૂંટણીમાં લઘુમતિ વોટબેંક મહત્વનું ફેકટર છે. જો કે, કેટલાક સમયથી કોંગ્રસની નબળી હાલતથી લઘુમતિ મતદારો મુંઝાય રહ્યા છે. તેમની પાસે યોગ્ય વિકલ્પ ન હોય, મતદાનમાં પણ ઝાઝો રસ દાખવતા નથી. આવા સંજોગોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઔવેસીની પાર્ટીની એન્ટ્રીથી લઘુમતિ વિસ્તારોમાં મતદાન વધવાની શકયતા છે. ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટીએ સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણી લડવા તૈયારી શરૃ કરી છે. અમદાવાદના જમાલપુરના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલને AIMIM પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવી ચુંટણી માટે કામ શરૃ કરવા પાર્ટીએ આદેશ આપી દીધો છે. AIMIM પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા વારીશ પઠાણ અને મહારાષ્ટ્ર ઔરંગાબાદથી લોકસભા સાંસદ ઈમ્તિયાઝ જલીલે ગત અઠવાડિયે જ અમદાવાદની મુલાકાત લઈ ચુંટણી વિશે ચર્ચા કરી હતી. અગાઉ વારીસ પઠાણ દ્વારા કરવામાં આવેલી ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે, પાર્ટી અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના નિર્દેશ પર તેઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીની શું રણનીતિ રહેશે એ અંગે પાર્ટીએ ફોડ પાડ્યો નથી. પરંતુ લઘુમતિ વોટબેંક જે બેઠકો પર અસર કરે છે તે વિસ્તારમાં પાર્ટી ચોક્કસ જ ઉમેદવાર ઉભો રાખી ચૂંટણી લડશે તેવી ગણતરી રાજકીય પંડીતો માંડી રહ્યા છે. ઓવૈશીની પાર્ટીની એન્ટ્રીથી ગુજરાતમાં કોંગ્રેસની મુશ્કેલી પણ વધી શકે છે.