ગુજરાતમાં કોરોનાના કેરને કારણે વેક્સિનેશનને ઝડપથી કરવું અનિવાર્ય બન્યું છે. ત્યારે સરકારના અણઘડ વહિવટને કારણે આ અભિયાન નિરર્થક જવાની પ્રબળ શકયતાઓ છે. યુવા વર્ગ માટે અત્યાર સુધીમાં વેકસીનેશનનો આંકડો 1.32 લાખ નોંધાયો છે. જો આ ગતિએ કાર્યક્રમ ચાલ્યો તો આખા રાજ્યમાં વેક્સીનેશન પુરુ થતાં બે વર્ષથી પણ વધુ સમય નીકળી જશે. આવા સંજોગોમાં કોરોના તેની વ્યાપક અસર સમગ્ર રાજ્યમાં ફેલાવી શકે છે. આરોગ્ય વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ બે મહિનાના અભિયાન પછી પણ ૪૫થી ઉપરની ઉંમરના ૫૨,૦૩,૪૧૮ નાગરિકોએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી. આથી ૩,૦૮,૦૩,૫૭૬ લોકો કે જે ૧૮થી ૪૪ વર્ષમાં આવે છે તેઓએ વેક્સિન લીધી નથી. હવે આ ૩,૬૦,૦૭,૦૪૮ લોકો માટે ૭ કરોડ ૨૦ લાખ ૧૪ હજાર ૯૬ ડોઝની આવશ્યકતા છે. જેમાં બીજો ડોઝની ગણતરી કરાય તો ગુજરાતને ૭.૯૫ કરોડથી વધારે વેક્સીનની જરૂર છે. રસીકરણની ધીમી પડેલી ગતિ સંદર્ભે સરકારે ૨.૫૦ કરોડ વેક્સીનનો ઓર્ડર આપ્યાનું કહ્યુ હતુ. જો કે, તે ક્યારે મળશે તે વિશે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે એપ્રિલ મહિનામાં વરિષ્ઠો અને કોરોના વોરિયર માટે કાર્યક્રમ શરુ થયો હતો. આ દરમિયાન એક જ દિવસમાં ૪.૭૮ લાખથી વધુ નાગરીકોને કોરોનાની રસી આપવામા આવી હતી. જયારે ગઈ કાલે બુધવારે ગુજરાતમાં માંડ ૧,૩૨,૩૮૪ લોકોને રસી મુકાઈ હતી. ગુજરાતમાં વેક્સીનની પાત્રતા ધરાવતા ૧૮ વર્ષથી ઉપરના વયજુથ માટે ૭.૯૫ કરોડ ડોઝની જરૂર છે. સરકાર પાસે હાલમાં માંડ ૯ લાખ જ ડોઝ છે. જો વેકસીનેશ કાર્યક્રમ નિયમિત ચાલે તો આ ડોઝ ૭ દિવસ સુધી જ ચાલશે. એટલે કે, દરરોજના ૧.૩૨ લાખ નાગરીકોને જ રસી આપી શકાશે. અને સરકાર જો આ કાર્યક્રમને રાબેતા મુજબ ચાલવા દેશે તો ગુજરાતમાં ૪.૬૩ કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં ઓછામા ઓછા બે વર્ષ લાગશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧,૨૮,૪૩,૪૮૩ નાગરિકોનું વેક્સિનેશન થયુ છે. જેમાં ૪૫થી ઉપરના વયજુથમાં માત્ર ૨૭,૫૧,૯૬૪ને જ બે ડોઝ મળી શક્યા છે. જ્યારે ૧૮ વર્ષથી ૪૪ વર્ષ સુધીના ૧,૯૬,૪૩૩ સહિત કુલ ૭૫,૩૫,૯૮૮ નાગરીકોને બીજો ડોઝ બાકી રહ્યો છે. ગુજરાતમાં ૫,૪૫,૯૫૧માંથી ૧,૮૨,૮૩૩ હેલ્થ વર્કરને બીજો ડોઝ આપવાનો બાકી છે. જ્યારે પોલીસ સહિતના ૮,૮૮,૧૬૭ ફ્રન્ટલાઈન વોરિયર્સ માંથી ૪,૮૬,૦૫૭ને બીજો ડોઝ મળ્યો નથી. આ સ્થિતિ રાજયમા વેક્સીનેશન કાર્યક્રમમાં ચાલતા અણઘડ કારભારની પ્રતીતી કરાવી રહી છે.