અમદાવાદમાં સરકાર દ્વારા શરતો આધિન અપાયેલી મંજૂરી બાદ શનિવારે સવારથી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની પ્રક્રિયા શરુ થઈ હતી.આ વખતે કોવીડનો ખતરો હોવાથી મર્યાદીત સંખ્યામાં વાહનો અને ભક્તોને યાત્રામાં જોડાવા મંજૂરી આપવામાં આવી છે. જમાલપુર સ્થિત મંદિરમાં સવારે નવ વાગ્યેથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ શરુ કરાઈ હતી. આ વિધિમાં ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે. નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો.
જે બાદ 10.30 વાગે મહાઆરતી કરવામાં આવી હતી. આ તકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ખાસ હાજરી આપી હતી. હાલ સમગ્ર મંદિર પરિસરને રોશનીથી શણગારાયું છે અને ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. નગરચર્યા પહેલાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે સરસપુર મોસાળમાં ગયા હતા. જેઓ આજે નિજમંદિર પરત ફર્યા હતા. યાત્રાના 15 દિવસ પહેલા ભગવાન જગન્નાથ મામાના ઘરે જતા હોય છે, અને બાદમાં ત્યાંથી પરત ફરે છે.
નેત્રોત્સવ વિધિમાં યજમાનો ઉપરાંત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પરિવાર સાથે આ પૂજામાં ભાગ લીધો હતો. અષાઢી બીજના દિવસે વહેલી સવારે મંગળા આરતી થઈ હતી. ત્યારબાદ મંદિરમાં ધોળી દાળ(ખીર) અને કાળી રોટી(માલપુડા)નો ભંડારાનુ આયોજન પણ કરાયું હતુ. આ સાથે સાધુ-સંતોનું સન્માન કરવામાં આવ્યું હતુ.