દોઢ વર્ષ કરતા પણ વધુ સમયથી કોરોના સામે ઝઝૂમતી દુનિયાને વેક્સીન જ એક માત્ર ઉપાય મહામારીમાંથી બહાર નીકળવા માટેનો દેખાય રહ્યો છે. જેથી છેલ્લાં 6 મહિનાથી અનેક દેશમાં રસીકરણ ઝુંબેશ મોટાપાયે ચાલી રહી છે. કોરોના વાયરસને નાથવા માટે વિવિધ દેશમાં રસીકરણ માટે જાગૃતતા લાવવા સાથે તેને પ્રોત્સાહન આપવા પણ પ્રયાસો થઈ રહ્યા છે. જો કે, ભારતના ગ્રામીણ વિસ્તારોમાં રસી વિશે હજી પણ અનેક ગેરમાન્યતા પ્રવર્તે છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં ગ્રામ્ય વિસ્તારમાં આવશ્યક સફળતા મળી રહી નથી. હાલ ઉત્તર પ્રદેશમાં એક ગામમાં જેવી જ મેડિકલ ટીમ પહોંચી, તો બધા ગામના લોકો નદીમાં કૂદી ગયા હતા. ત્યારબાદ તંત્રએ તપાસ કરી તો બહાર આવ્યું કે રસી મુકાવવાથી મોત થઈ જતું હોવાની વાતો ગામમાં ઘર કરી જતા લોકો રસી મુકાવવાથી બચી રહ્યા છે. ભારતની આ સ્થિતિ સામે વિદેશમાં વેક્સીનેશન માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
અમેરિકાના ઓહિયોમાં તો લોટરી સિસ્ટમ દ્વારા ઈનામ આપવાની જાહેરાત કરાઈ છે. ઓહિયોના ગવર્નર માઈક ડેવિને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, જે નાગરિક વેક્સીન લગાવડાવશે, તે લોટરી જીતવા માટે દાવેદાર થઈ જશે. લોટરી જીતનારા બધા લોકોને 10 લાખ ડોલરનું ઈનામ અપાશે. આ રકમનું ભારતીય મુલ્ય સાત કરોડ થાય છે. આ બધી લોટરી યોજનાઓના પૈસા અને ખર્ચ ઓહિયો સરકાર કોવિડ ફંડમાંથી આપશે. તેનો સંપૂર્ણ હિસાબ પણ રાખવામાં આવશે. આશરે 27 લાખ લોકોએ પહેલા અઠવાડિયાની લોટરી માટે દાવેદારી કરી છે. કુલ વેકસીનેશન કરાવનારા પૈકી જે આ યોજનામાં દાવેદાર કરશે તેમાંથી અલગ અલગ જૂથના નાગરિકોને દર અઠવાડિયે ઈનામ જીતવાની તક મળશે. એટલે કે દર અઠવાડિયે લોટરીનો ડ્રો કરી પાંચ વિજેતા નક્કી કરાશે.
માઈક ડેવિને વધુમાં હતું કે, લોટરીમાં સામેલ થવા માટે બે કેટેગરી બનાવાઈ છે. વયસ્કો માટે તે ઉંમર 18 વર્ષથી વધું ઉંમર અને ઓહિયાના મૂળ નિવાસી હોવા જોઈએ. જ્યારે 12 થી 17 વર્ષના યુવાનો માટે અલગ લોટરી સિસ્ટમ છે. બીજી કેટેગરીમાં કોઈ કેશ પ્રાઈઝ નથી. તેમાં 12 થી 17 વર્ષના યુવાનોને ચાર વર્ષની સ્કોલરશીપ આપવાની યોજના છે. જેમાં ટ્યૂશન અને રૂમનો ખર્ચ જેવી જોગવાઈ છે. આ માટે ઓનલાઈન અપ્લાઈ કરવાનું રહેશે. ગવર્નર માઈક ડેવિને કહ્યું છે કે 12 મેના યોજનાની જાહેરાત પછી ઓહિયોમાં વેક્સીનેશન કરાવનારાઓની સંખ્યામાં 33 ટકાનો વધારો થયો છે. જ્યારે 12 થી 17 વર્ષના યુવાનોની સંખ્યામાં 94 ટકાનો વધારો નોંધાયો છે. 23 જૂન સુધી આ લોટરી વેક્સીનેશન અભિયાન ચાલશે. ઓહિયોની આ લોટરી યોજના અમેરિકામાં ચર્ચાનો વિષય બની છે.