સૌરાષ્ટ્રના જૂનાગઢમાં લોકરક્ષક તાલીમ કેન્દ્ર ખાતે LRDના જવાનોને જાહેરનામાના ભંગ બદલ નજીવો દંડ વસુલાતા તે બાબત ચર્ચાનું વિષય બની છે. સોશિયલ મીડિયામાં જવાનોનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતુ. આ અંગેનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, તેમાં જવાનો ગરબે ઘૂમતા દેખાય છે. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કના કોઈ નિયમ પાળવામાં આવ્યા ન હતા. જેને લઈને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના મામલે અનેક પ્રશ્નો ઊભા થયા હતા. કારણ કે, સામાન્ય લોકોને રુપાણી સરકાર દ્વારા છેલ્લાં કેટલાક સમયથી નિયમો બતાવીને સામાન્ય પ્રજાને દંડવાની ઝૂંબેશ ચાલી રહી છે. જયારે ઘણાં સમયથી ભાજપના નેતાઓના કાર્યક્રમમાં જ જાહેરનામાના નિયમોના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. તેથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. તેથી આ ઘટના બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ સાથે જ LRDના જવાનોને નોટિસ ફટકારાઈ હતી.
જો કે, આ જૂનાગઢમાં બનેલી ઘટનામાં હવે જવાનોને રૂા. 300નો દંડ ફટકારાયો છે. વિવાદ વધતા DGP આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, નિયમ તોડનારા પોલીસ કર્મીઓને રૂા. 300નો દંડ ફટકારવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એ છે કે, સામાન્ય પ્રજા જ્યારે માસ્ક વગર જોવા મળે કે પકડાઈ તો રૂ.1000નો દંડ વસુલાય છે. ત્યારે પોલીસકર્મીઓ માટે રૂા. 300 શા માટે ? કોરોના કાળમાં માસ્કને ફરજિયાત બનાવી દેવાયું છે. ત્યારે માસ્ક વગર નીકળતા લોકોને પોલીસ રૂ.1000નો દંડ કરવાની જોગવાય છે તો પછી પોલીસના આ જવાનો પાસે માત્ર 300 રૃપિયા જ કેમ વસુલાયા. ઉલ્લેખનીય છે કે, તા. 8 જાન્યુઆરીના રોજ જૂનાગઢમાં LRD જવાનોના દિક્ષાંત સમારોહનું આયોજન થયું હતુ. જેમાં દિક્ષાંત સમારોહ પહેલા જવાનો તરફથી ગરબા કરવાનો કાર્યક્રમ યોજાતા જવાનો ગરબે ઘૂમ્યા હતા. આ કાર્યક્રમ પહેલાથી જ નક્કી હતો. પરંતુ તેમાં સોશિયલ ડિસ્ટન્સના કોઈ નિયમનું પાલન ન કરાતા વિવાદ સર્જાયો છે.