સામાજિક સેવામાં અગ્રેસર રહેતા સુરતમાં હવે ધીમે ધીમે ક્રાઈમ રેટ વધવા સાથે શર્મનાક ઘટના પણ બની રહી છે. હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે. ગુજરાત સહિત ભારતના મોટાભાગના વિસ્તારમાં ઠંડીનો ચમકારો પણ વર્તાય રહ્યો છે. દાન અને સેવાની ભાવનાવાળા લોકો આ સમયે જરૃરિયાતમંદ અને ગરીબોને ધાબળા, વસ્ત્રોનું વિતરણ કરી રહ્યા છે. આવા સમયે સુરતમાં કેટલાક માલેતુજારોએ ગરીબોના ઝુપડા સળગાવી દીધાની ઘટના બહાર આવી છે.
મોટા વરાછા ખાતે ગરીબોના ઝૂંપડાં સળગાવી દેવાયાની ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. કારણ કે, ઝૂંપડાં એટલા માટે સળગાવી દેવામાં આવ્યા કે અહીંના સ્થાનિકોની આલિશાન બિલ્ડીંગ અને તેઓના સ્ટેટસને આ ઝૂંપડાં નુકસાન પહોંચાડી રહ્યાનું માલેતુજારો માનવા હતા. 30થી 40 લોકોના ટોળાએ આ ઝૂંપડાંઓ પર પેટ્રોલ છાંટી તેને આગ ચાપી દીધી હતી. ઘટનાને પગલે શ્રમિકોના માથા પરથી છત છીનવાઈ જતા ઠંડીમાં નાના બાળકો સાથે ખુલ્લામાં રહેવા મજબૂર બની ગયા છે. મળતી વિગતો મુજબ સુરતના મોટા વરાછા ખાતે નદી કિનારે કેટલાક શ્રમિકો વર્ષોથી પોતાનું ઝૂંપડું બાંધી વાસવાટ કરી રહ્યા હતા. આ જ નદી કિનારે કેટલીક સોસાયટી પણ છે. જેમાં કેટલાકે આલિશાન બંગલા બાંધ્યા છે. નદી કિનારાના આલીશાન વ્યુ માટે આ રહીશોએ બિલ્ડરને લાખો રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ આ ઝૂંપડાંમાં તે માલેતુજારોને ખટકી રહ્યા હતા. આ માલેતુજારો એમ માનતા હતા કે, ઝૂંપડાંને લઈ તેઓના બિલ્ડીંગનો વ્યુ બગડે છે. બસ આ જ વાતને લઈ ત્યાંના રહીશોએ આ ગરીબ ઝૂંપડાંવાસીઓને અવારનવાર ઝૂંપડાં ખાલી કરવા માટે ધમકી આપી હતી.
જો કે, ગરીબોએ ઝૂંપડાં ખાલી કરવા ઇન્કાર કરી દીધો હતો. ઝુપડામાં રહેતા લોકોએ બિલ્ડીંગમાં રહેતા માલેતુજારોને ઝૂંપડાં ખાલી કરાવાનો અધિકાર સરકારનો છે અને મહાનગર પાલિકા કહેશે તો તે ખાલી પણ કરી દેશે તેવું જણાવ્યું હતું. જો કે, આ પ્રક્રિયામાં લાંબો સમય નીકળી જાય તેમ હતો. તેથી સોસાયટીના રહીશોને ઝૂંપડાં હોઈ તે મંજુર નહીં હતું અને કોઈ પણ હિસાબે આ ઝૂંપડાં તેમણે ખાલી જ કરાવવા હતા. આખરે એક દિવસ ટોળાએ ઝૂંપડાં ખાલી કરોની બૂમો મારે ત્યાં રહેતા લોકોને માર માર્યો હતો. જે બાદ ટોળાએ ગરીબોને બળજબરી ઘરમાંથઈ બહાર કાઢી પેટ્રોલ નાંખી તમામ ઝુપડાં સળગાવી દીધા હતા. માત્ર એટલું જ નહીં આ ટોળાએ તેમની ઘર વખરી પણ બાળી નાખી હતી. સમગ્ર મામલે આ શ્રમિકોએ પોલીસને ફોન કર્યો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધી તો આ ગરીબોના ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયા હતા. ઘટના અંગે પોલીસે 40 લોકોના ટોળા વિરૂદ્ધ રાયેટિંગનો ગુનો દાખલ કરી સ્થળને પોલીસ છાવણીમાં ફેરવીને તપાસ આદરી છે.