પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પછડાટ આપીને ટીએમસીએ જબરદસ્ત વિજય મેળ્યો હતો. હવે બંગાળમાં ટીએમસી સરકારની રચના પછી મમતા બેનરજીને વિધાનપરિષદ રચવાનું ઘેલું લાગ્યું છે. આ માટે તેણે બંગાળમાં વિધાન પરિષદની રચના કરવા અંગે મંગળવારે વિધાનસભામાં કાર્યવાહી કરી હતી. વિધાનસભામાં આ અંગે સરકારે વિધિવત ઠરાવ પસાર કર્યો હતો. જેમાં બંધારણની કલમ 169 હેઠળ રાજ્યમાં વિધાન પરિષદની રચના કરવા વર્તમાન સરકાર ઈચ્છે છે અને તે દીશામાં આગળ વધવા માંગે છે તેમ સ્પષ્ટ જણાવ્યું હતુ. જો કે, મમતા બેનરજી માટે હવે આ ઠરાવને આખરી મંજૂરી આપવા તેને સંસદના બંને ગૃહોમાં મંજૂર કરાવવો પડશે. લોકસભા અને રાજ્ય સભામાં આ ઠરાવને મંજૂરી મળ્યા બાદ જ આ ઠરાવને માન્યતા મળશે.
બંગાળ વિધાનસભામાં બંગાળણાં વિધાન પરિષદની રચના માટે થયેલા ઠરાવની તરફેણમાં 196 સભ્યોએ મત આપ્યો હતો. જયારે તેની વિરોધમાં 69 સભ્યોએ મતદાન કર્યું હતુ મતદાન સમયે બંગાળ વિધાન ગૃહમાં 265 સભ્યો હાજર હતા. બંગાળમાં વિધાનસભાનું સત્ર 2 જુલાઈથી ચાલી રહ્યું છે. બંગાળમાં વિધાનસભાની કુલ 294 બેઠકો છે અને જો વિધાન પરિષદની રચના થાય છે, તો તેમાં ફક્ત 98 બેઠકો હોઈ શકે છે. કારણ કે, વિધાનસભાની બેઠકોની સંખ્યા, વિધાનસભાની કુલ બેઠકોના ત્રીજા ભાગથી વધુ થઈ શકતી નથી.
ઉલ્લેખનીય છે કે, બંગાળમાં 5 દાયકા પહેલા વિધાનસભા પરિષદની વ્યવસ્થા હતી, પરંતુ પછીથી તે નાબૂદ થઈ હતી. આઝાદી પછી 5 જૂન, 1952ના રોજ બંગાળમાં 51- સભ્યોવાળી વિધાન પરિષદ હતી. જો કે, 21 માર્ચ 1969ના રોજ આ પરિષદ નાબૂદ થઈ હતી. હાલમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર અને બિહારમાં વિધાન પરિષદની વ્યવસ્થા છે. આ પરિષદને વિધાનસભાનું ઉપલુ ગૃહ પણ કહેવાય છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાન પરિષદ હતી, પરંતુ કેન્દ્ર શાસિત રાજ્ય બન્યા પછી આ પરિષદે માન્યતા ગુમાવી દીધી હતી.
હવે બંગાળની ચૂંટણી વખતે પ્રચારસભામાં મમતા બેનર્જીએ બંગાળમાં વિધાન પરિષદની રચના કરવાનું વચન આપ્યું હતું. વિધાનસભામાં તો આ દરખાસ્ત પસાર થઈ ગઈ છે, પરંતુ હવે તે સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં બહુમતીથી પસાર કરવી પડશે. મમતાએ આ પગલું મોદી સરકારની મંજૂરી વગર જ ભર્યું છે. તેથી હવે સંસદમાં આ ઠરાવને પસાર કરાવવો મમતા બેનરજી માટે અગ્નિ પરિક્ષા સમાન છે.