“નરેન્દ્ર મોદી દુર્યોધન છે…” આ મધુર વિધાન પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીનું છે.
“દીદી પાસે દસ વર્ષની કામગીરીનો હિસાબ માગો તો દંડા પડે, બોંબ ફેંકાય, ઘર સળગાવી દેવામાં આવે…” આ આક્ષેપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે.
પાંચ વિધાનસભા ચૂંટણીની વચ્ચે છેલ્લા એક અઠવાડિયામાં બે રાજ્યમાં રાજકીય વાતાવરણ અતિશય ગરમ થઈ ગયું છે. એક તરફ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટકો ભરેલી કાર મૂકવાના કેસમાં પકડાયેલો આસિસ્ટન્ટ પોલીસ અધિકારી સચિન વઝે રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખનો વસુલી એજન્ટ હતો એવા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના આક્ષેપથી મહારાષ્ટ્રમાં રાજકીય પારો ચરમસીમાએ છે. તો બીજી તરફ, દિલ્હીમાં ચૂંટાયેલી સરકારની પાંખો કાપવા કેન્દ્ર સરકારે તૈયારી કરી લીધી છે અને આ અંગેનો ખરડો લોકસભામાં પસાર થઈ ગયો છે, રાજ્યસભામાં હવે રજૂ થશે. કેન્દ્ર સરકારના આ પગલાથી દિલ્હી ચૂંટાયેલી સરકારે કોઇપણ મોટા નિર્ણય લેતા પહેલાં ઉપરાજ્યપાલની મંજૂરી લેવી પડશે. મોદી સરકારના આ નિર્ણયથી આમ આદમી પાર્ટીની સરકાર છંછેડાઈ ગઈ છે અને આ મુદ્દે હાલ રાજકીયની સાથે સાથે અદાલતમાં કાનૂની લડાઈ પણ શરૂ થઈ ગઈ છે.
ખેર, આ બંને રાજ્યમાં જ્યારે જે કંઈ ડેપલપમેન્ટ થશે ત્યારે આપણે અહીં તેની ચીરફાડ અર્થાત પોસ્ટમોર્ટમ કરીશું, પણ હાલ તો પાંચ વિધાનસભા અને તેમાંય ખાસ કરીને પશ્ચિમ બંગાળ વિશે આપણે ગયા અઠવાડિયાથી {ગયા અઠવાડિયાના લેખની લિંક આ રહી > https://dgvartman.com/what-do-you-think-of-the-five-states-will-it-win-or-will-it-be-tough/ } જે વિગતવાર ચર્ચા કરી રહ્યા છીએ તેને આગળ વધારીએ. 294 વિધાનસભા બેઠકો ધરાવતું પશ્ચિમ બંગાળ રાજકીય દૃષ્ટિએ એ રીતે મહત્ત્વનું છે કે એ રાજ્યમાં જે પક્ષને બહુમતી મળે તેને રાજ્યસભામાં બેઠકોનો લાભ થાય. પણ મમતા બેનરજી માટે આમ એક રીતે હાલ એ ગૌણ મુદ્દો છે.
મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળની તેમની સત્તા ટકાવી રાખવાને જાણે પ્રતિષ્ઠાનો મુદ્દો – જીવનમરણનો મુદ્દો બનાવી દીધો હોય એવું લાગે છે. અને એટલે જ મમતાદીદી પગની ઈજાના ડ્રામાથી અટક્યા નથી. તેમણે હવે ભાજપના નેતાઓને, ખાસ કરીને નરેન્દ્ર મોદી તથા અમિત શાહને રીતસર ગાળો દેવાનું શરૂ કર્યું છે. મુખ્યપ્રધાન મમતા બેનરજી ચૂંટણીની જાહેરસભાઓમાં મોદી-શાહને દુર્યોધન, દુશાસન, રાવણ જેવા તમામ પ્રકારના વિશેષણોથી સંબોધીને પોતાની મુખ્ય મતબેંક, અર્થાત બાંગ્લાદેશી ઘૂસણખોરો સહિતના મુસ્લિમોને ખુશ રાખવા પ્રયત્ન કરી રહ્યા છે. મુખ્યપ્રધાન બેનરજી આટલેથી અટક્યા નથી. તેમને ખ્યાલ આવી ગયો છે કે, ભાજપ આ વખતે તેમને હંફાવી શકે તેમ છે અને એટલે જ મમતા બેનરજી ભાજપને રાજ્ય બહારનો-આયાતી પક્ષ ઓળખાવવા પણ મથી રહ્યા છે. આવી રાજકીય ચાલબાજીના ભાગરૂપે મમતાદીદીએ રાજ્યની પ્રજાના મનમાં એક વાક્ય ઘૂસાડી દીધું છે કે, પશ્ચિમ બંગાળ એ ગુજરાત નથી અને તેથી અહીં ગુજરાતીઓને અર્થાત નરેન્દ્ર મોદી-અમિત શાહને જીતવા નહીં દઇએ.
સામાન્ય ગરીબ બંગાળીઓ, જેઓ એકાદ ધોતી-સાડી અથવા 200-500 રૂપિયાની લાલચ રાખતા હોય તેમના મનમાં આ વાત બરાબર બેસી ગઈ છે અને તેથી આવા બંગાળીઓ ખુલ્લેઆમ ભાજપને બહારનો પક્ષ ગણાવે છે. મમતા બેનરજીના આ દાવપેચનો નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે એમ કહીને જવાબ આપ્યો કે, ભાજપ તો જનસંઘમાંથી રૂપાંતરિત થયેલો પક્ષ છે અને જનસંઘની સ્થાપના તો પશ્ચિમ બંગાળના જ ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી તથા અન્ય બંગાળી નેતાઓએ કરી હતી. મોદીની આ દલીલ ગરીબ બંગાળીઓ તથા મુસ્લિમોને ગળે ઉતરશે કે નહીં એ તો બીજી મેએ પરિણામના દિવસે ખબર પડશે. પરંતુ આ દરમિયાન અન્ય વિભાજનકારી વાતો પણ પશ્ચિમ બંગાળના રાજકારણ ઉપર હાવી થઈ રહી છે.
જે દિવસે ભાજપે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો તે દિવસે મમતા બેનરજીના પક્ષ ટીએમસીના સાંસદ ડેરેક ઓબ્રાયને એવો કૂપ્રચાર શરૂ કરી દીધો કે, ચૂંટણી ઢંઢેરો જાહેર કરનાર એક ગુજરાતી છે (ઢંઢેરો અમિત શાહે જારી કર્યો હતો), તેની બાજુમાં જે નેતા બેઠા છે તે મધ્યપ્રદેશના છે (અમિત શાહની બાજુમાં કૈલાશ વિજયવર્ગીય બેઠા હતા) અને ઢંઢેરાની વાત હિન્દી ભાષામાં કરવામાં આવી રહી છે (અર્થાત ભાજપના નેતાઓ બંગાળી ભાષા નથી બોલતા). ડેરેક ઓબ્રાયન મૂળ ખ્રિસ્તી છે અને ભારતને તોડવા માગતા તત્વોની જે ત્રેખડ છે (ડાબેરીઓ-ખ્રિસ્તીઓ-જેહાદીઓ) તેમાં તેનો સમાવેશ થાય છે. ડેરેક ઓબ્રાયનનું આ નિવેદન અતિશય ચિંતાજનક અને ગંભીર છે, પરંતુ ભારતની એ કમનસીબી છે કે, સરેરાશ ભારતીયોને આવા નિવેદનોના ગૂઢાર્થની ખબર પડતી નથી, અને જેમને ખબર પડે છે એ લોકો એ હદે સ્વાર્થી છે કે “એમાં આપણે શું…” એમ કહીને બાજુમાં સરકી જાય છે. મોટાભાગના મીડિયા ડાબેરીઓ-મિશનરીઓ અને જેહાદીઓના પૈસાથી ચાલતા હોવાથી એ તો ડેરેક ઓબ્રાયનના આવા વિભાજનકારી નિવેદન સામે કોઈ પ્રશ્ન ઉઠાવવાના નથી કે કોઈ હોબાળો પણ કરવાના નથી.
ખેર, પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ સત્તામાં હતા ત્યારથી હિન્દુ હિતો હાંસિયામાં ધકેલાયેલા રહ્યા છે. મમતા બેનરજીના દસ વર્ષના શાસનમાં પણ ડાબેરીઓની જ પરંપરા ચાલુ રહી, તે ઉપરાંત સંઘ-ભાજપના નેતાઓ-કાર્યકરોની હત્યાઓ પણ થતી રહી. છતાં છેવટે લોકશાહી પ્રક્રિયામાં મતદાન દ્વારા જે પક્ષ અથવા ગઠબંધન સત્તા ઉપર આવે તેનો સ્વીકાર કરવાનો હોય છે. ભાજપના આક્રમક પ્રચાર વિરુદ્ધ મમતા બેનરજીના પ્રાંતવાદ-ભાષાવાદ – એમાંથી કોની જીત થાય છે એ તો બીજી મે સુધી જાણી શકાશે નહીં.
રાજકાજ
– અલકેશ પટેલ