કેરળ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પંજાબમાં કોરોનાનો ખતરો વધી ગયો છે. તેથી કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પાંચ મુદ્દાની એડવાઇઝરી જારી કરી છે. આ સાથે જ કોરોના મુદ્દે સતર્ક રહેવા તાકીદ કરી છે. રાજ્યોને આરટી-પીસીઆર ટેસ્ટ વધારવા અને રેપિડ એન્ટિજેન ટેસ્ટ નેગેટિવ આવે તેમના ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટ કરવાની સૂચના આપી છે. સરકારે રાજ્યોને કોરોના વાઇરસના નવેસરથી પ્રસારને અટકાવવા ચાંપતી નજર રાખવા, કન્ટેનમેન્ટ અને સર્વેલન્સ સહિતના આકરાં પગલાં લેવા જણાવ્યું છે. જિનોમ સિક્વન્સિંગ દ્વારા કોરોનાના નવા સ્ટ્રેનની નિયમત ચકાસણી કરવામાં આવે. કોરોનાના ક્લસ્ટર પર ચાંપતી નજર રાખી આરોગ્ય સેવાઓ સુદૃઢ કરવામાં આવે.
ભારતમાં ૨૪ કલાકમાં ૧૪,૨૬૪ નવા કેસ આવ્યા છે. જયારે 90 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત છેલ્લાં 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યા ૨,૫૦૭ રહી છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં તો કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી પાંચ જિલ્લામાં પ્રતિબંધો લાગુ કરી દેવાયા છે. કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોની જારી કરેલી એડવાઈઝરી મુજબ RT-PCR ટેસ્ટની સંખ્યા વધારી ઓવરઓલ ટેસ્ટિંગ વધારવા તથા પસંદગીના જિલ્લાઓમાં કન્ટેનમેન્ટના આકરા નિયંત્રણો લાદવા તાકીદ કરી છે. આ સાથે જ રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટ કરવા અને જિનોમ સ્કિવન્સિંગ દ્વારા કોરોના સ્ટ્રેઇનનું નિયમિત મોનિટરિંગ કરવા તથા મૃત્યુદર વધુ હોય તેવા જિલ્લાઓમાં ક્લિનિકલ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ સુચના અપાઈ છે