ચોમાસુ સત્રની શરૂઆત પહેલા મણિપુરનો વીડિયો કેન્દ્ર સરકાર માટે મુશ્કેલી બની શકે છે. ટોળા દ્વારા જે રીતે મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી હતી તે હિંસાનું ભયાનક ચિત્ર દર્શાવે છે. આ કેસમાં લગભગ દોઢ મહિના બાદ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. ઘટના 4 મેની છે.. જાણો શું થયું હતું તે દિવસે?
મણિપુર હિંસા વચ્ચે મહિલાઓનો ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ આરોપ લગાવ્યો છે કે ગેંગરેપ બાદ મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવામાં આવી હતી. આ ઘટના 4 મેની કહેવાય છે. આઈટીએલએફનો દાવો છે કે ગેંગરેપ રાજધાની ઈમ્ફાલથી 35 કિમી દૂર કંગપોકપી વિસ્તારમાં થયો હતો. વીડિયોમાં લોકો ખરાબ વર્તન કરતા જોવા મળે છે અને બંને મહિલાઓ દયાની વિનંતી કરી રહી છે. પીડિત મહિલાઓ કુકી જનજાતિની છે. ITLFએ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગને આ મામલાની નોંધ લેવા અને દોષિતોને સજા કરવાની માંગ કરી છે. પેનોમ ગામના વડા થાંગબોઈ વેઈફેઈની ફરિયાદ પર સૈકુલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના 4 મેના રોજ બપોરે 3 વાગ્યે બની હતી. SLR, INSAS અને .303 રાઇફલ્સ જેવા આધુનિક હથિયારોથી સજ્જ આશરે 800 થી 1000 લોકો ગામમાં ધસી આવ્યા હતા. સશસ્ત્ર માણસોએ ગામમાં લૂંટ ચલાવી અને ઘરોને આગ ચાંપી દીધી. એવો આરોપ છે કે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરનારા પુરુષો મેઇતેઈ કોમ્યુનિટી સંલગ્ન સંસ્થાઓ મેઈતેઈ લિપુન, કંગલેઈપાક કનબા લુપ, અરામબાઈ તેંગાઈ અને વર્લ્ડ મેઈતેઈ કાઉન્સિલ અને અનુસૂચિત જનજાતિ માંગ સમિતિના હતા.