દુનિયામાં ઈન્ટરનેટ અને એનરોઈડ મોબાઈલ ફોનના વધેલા ઉપયોગ સાથે જ લાખો કંપનીએ પોતાની અલાયદી એપ બનાવી છે. આજે દરેકના મોબાઈલ ફોનમા તેના ઉપયોગની અનેક એપ ઈન્સ્ટોલ થઈ હોય છે. ગુરુવારે આવી જ અનેક એપ્લિકેશનો અને દુનિયામાં માર્કેટીંગ માટે જાણીતી વેબસાઈટ લગભગ 45 મિનિટ સુધી અટકી ગઈ હતી. જેમાં એમેઝોન, પેટીએમથી લઈને અમેરિકન બેંકો અને ડેલ્ટા એરલાઇન્સની વેબસાઇટ્સ પણ શોભાનું ગાંઠીયું બની ગઈ હતી. પરિણામે દુનિયાના લાખો યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા હતા સમસ્યા સર્જાવા પાછળનું કારણ Akamaiના ડીએનએસમાં આવેલી સમસ્યા બતાવાઈ હતી. આ વર્ષે આ બીજી વખત આ પ્રકારની સમસ્યા બની છે. આ વખતે DNSનું કારણ બતાવાયું છે.
ખરેખર તો આ સમસ્યા Akamaiની છે. જેને કારણે ડેલ્ટા એરલાઇન્સ, એમેઝોન અમેરિકા, કોલ ઓફ ડ્યુટી, એચબીઓ મેક્સથી લઈને ઘણી બેંક વેબસાઇટ્સ કલાક સુધી ડાઉન રહી હતી. આ વેબસાઇટ્સમાં પ્લે સ્ટેશન નેટવર્ક, સ્ટીમ અને યુપીએસ સામેલ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે દુનિયાભરમાં ગત રોજ વિવિધ એપ અને વેબસાઈટ પર સર્જાયેલી સમસ્યાનું કારણ તો Akamai એજની DNS સેવામાં છે. જેને કારણે ભારતીય એપ બેસ્ડ પેમેન્ટ કંપની Paytmમાં મુશ્કેલી સર્જાતા લોકો એક તબક્કે કાંઈ સમજી શક્યા ન હતા. પરંતુ એપ્લિકેશન પર ટ્રાન્ઝેક્શન બંધ થઈ ગયું તે સ્પષ્ટ રીતે જણાયું હતુ. ઘટનાની જાણ થતાં જ કંપનીએ સત્તાવાર નિવેદન બહાર પાડતા કહ્યું હતુ કે, વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સમાં કેટલીક સમસ્યા સર્જાઈ હતી. જો કે, હવે તેને ઠીક કરી લેવાઈ છે. વેબસાઇટ્સ પહેલાની જેમ જ કામ કરતી થઈ ગઈ છે. ભવિષ્યમાં પણ આ પ્રકારની સમસ્યાને ધ્યાનમાં રાખી યુઝર્સને કોઈ તકલીફ ન પડે તે માટે પ્રયાસો કરાશે. કંપની સર્વિસ ડિસરપ્શનનો સામનો કરી રહી છે. આ મામલાની તપાસ કરવામાં આવશે. તેથી કંપની આગામી કેટલાક દિવસોમાં એક અપડેટ લાવી શકે.