ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ઋતુ પ્રમાણે કેટલીક સમસ્યા સર્જાતી હોય છે. ઉનાળામાં ગરમી, શિયાળામાં ઠંડી તો ચોમાસામાં વરસાદ સાથે સર્જાતી સમસ્યાઓ સામે પ્રજાએ ઝઝુમવું પડે છે. હાલમાં મોડાસાના હફસાબાદ ગામમાં ચુડવેલ નામની જીવાતની આફત આવી પડી છે. મોડાસાના હફસાબાદ વિસ્તારમાં છેલ્લાં અઠવાડીયાથી વરસાદી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. આ સાથે જ અહીં ચુડવેલ નામની જીવાતનો ઉપદ્રવ થઈ ગયો છે.
સામાન્ય રીતે ચોમાસાની ઋતુ શરૃ થાય તે સમયે પ્રથમ વરસાદ સાથે ભેજવાળું વાતાવરણ સર્જાય ત્યારે દર વર્ષે અરવલ્લી-સાબરકાંઠાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બે ઇંચ લાંબી ઈયળ જેવી દેખા દે છે. આ જીવાતને ચુડવેલ તરીકે ઓળખવામાં આવે છે. આ જીવાતો એક જ રાતમાં લાખોની સંખ્યામાં જન્મ લઈ લે છે. હાલમાં ચુડવેલ નામની લાખોની સંખ્યામાં જીવાત હફસાબાદ ગામમાં જોવા મળી છે. જેને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. જીવાતનો ઉપદ્રવ એટલી હદે વધ્યો છે કે, અનેક લોકો પોતાનું ઘર છોડવા મજબૂર થઈ જાય તેવી સ્થિતિ છે. છુટા છવાયા વરસાદે વિરામ લીધા બાદ ગામમાં જીવાતનો ઉપદ્રવ વધ્યો છે.
ગામના મોટાભાગના ઘરોમાં દિવાલ પર જાણે કોઈ ચિત્ર દોરાયું હોય તેમ જીવાતો ચોંટી ગઈ છે. મકાનોની છત પર, દીવાલો પર, રસોડામાં કે બહાર ચોકમાં સર્વત્ર જીવાતનો ઢગલો જોવા મળી રહ્યો છે. જીવાતને કારણે સ્થાનિક રહીશો પોતાના રસોડામાં રસોઇ સુદ્ધા બનાવી શકે તેમ નથી. જયારે પશુપાલન કરતા લોકોને દૂધ કાઢવામાં મુશ્કેલી ઉભી થઈ છે. ઉપરાંત આ જીવતો વાતાવરણમાં પણ ઉડતી રહે છે. ખુલ્લા રસ્તા પર પણ ચુડવેલોના ઢગલા જોવા મળે છે. તેથી ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વર્તાય રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ચુડવેલ જીવાતનો ઉપદ્રવ અટકાવવા માટે તાકીદે પગલા ભરાય તે આવશ્યક બન્યું છે.