વરસાદની આગાહીઃ રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને વિવિધ પ્રકારના સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આપણે ચોમાસાની રાહ જોવી પડશે.
બિપોરજોય વાવાઝોડા બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફરી એકવાર આકરી ગરમી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ ડાંગ, તાપી, છોટા ઉદેપુરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જો કે હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં ચોમાસાના વરસાદની રાહ જોવી પડશે. હવામાન વિભાગે ચક્રવાત બિપરજોયના કારણે ચોમાસામાં વિલંબ થવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 18 ટકા વરસાદ નોંધાયો છે. ડાંગ, તાપી, છોટા ઉદેપુરમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ? અંબાલાલ પટેલે શું કરી આગાહી ?
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 25 થી 30 જૂન દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે 25 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધશે. 5 થી 8 જુલાઈ દરમિયાન દેશ અને ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડશે. એટલું જ નહીં જુલાઇમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જુલાઈમાં ભારે વરસાદને કારણે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે. નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળશે. મુંબઈમાં જૂનના અંતમાં અથવા જુલાઈમાં વરસાદ શરૂ થશે. અંબાલાલે કહ્યું કે કર્ણાટકમાં ચોમાસું બંધ થઈ ગયું છે પરંતુ ભેજ વધવાના કારણે જુલાઈમાં વરસાદ વધશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂરની સંભાવના છે.